BJP-JDS ગઠબંધન પર જેડીએસના નેતાઓ નારાજ, પોતાના લોકોએ જ ખોલ્યો મોરચો, કુમારસ્વામીએ આપ્યો જવાબ
કર્ણાટકમાં જેડીએસે ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે ત્યારથી પાર્ટીના ઘણા નેતાઓએ તેનો વિરોધ કરવા માટે મોરચો ખોલ્યો છે.
BJP JDS Alliance in Karnataka: કર્ણાટકમાં જેડીએસે ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે ત્યારથી પાર્ટીના ઘણા નેતાઓએ તેનો વિરોધ કરવા માટે મોરચો ખોલ્યો છે. આ દરમિયાન કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ સાથે અમારું ગઠબંધન ચાલુ રહેશે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એચડી કુમારસ્વામીએ રવિવારે (1 ઓક્ટોબર) કહ્યું કે આજની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાજપ અને જેડીએસના ગઠબંધનને ચાલુ રાખવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં કોઈ મતભેદ નથી અને તમામ ધારાસભ્યો અહીં હાજર હતા.
આ પહેલા જનતા દળ (સેક્યુલર) કર્ણાટકના અધ્યક્ષ સીએમ ઈબ્રાહિમે ભાજપ સાથે પાર્ટીના ગઠબંધન પહેલા સલાહ ન લેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ઈબ્રાહિમે આરોપ લગાવ્યો હતો કે ચૂંટાયેલા પ્રમુખ હોવા છતાં પાર્ટીએ ભાજપ સાથે હાથ મિલાવતા પહેલા તેમની સાથે સલાહ લીધી ન હતી. જોકે, તેમણે પાર્ટી છોડવાનો ઈનકાર કર્યો હતો.
કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને ભાજપ વચ્ચે ગઠબંધન થતા અનેક નેતાઓ દ્વારા તેના વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના નેતાઓ દ્વારા જ પાર્ટી સામે મોરચો ખોલવામાં આવ્યો છે.
કર્ણાટકમાં ભાજપને જેડીએસનો સાથે મળ્યો છે
કર્ણાટકમાં જેડીએસ એક મજબૂત પાર્ટી છે, દક્ષિણી વિસ્તારોમાં તેની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આ ઉપરાંત પૂર્વ પીએમ દેવગૌડાના કારણે પાર્ટીને વોકલિંગા સમુદાયમાં સારી લોકપ્રિયતા મળે છે. આવી સ્થિતિમાં જ્યારે ભાજપને ચૂંટણીની મોસમમાં જેડીએસનો ટેકો મળવાનો છે, ત્યારે તેની અસર જમીન પર પણ જોવા મળી શકે છે. આ વખતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જે ખરાબ રીતે સફાયો થયો છે તે જોતાં જેડીએસના એક સાથે આવવાથી પાર્ટીની મુશ્કેલીઓ સરળ થઈ શકે છે.
જેપી નડ્ડાએ ટ્વિટ કરી ગઠબંધનની જાહેરાત કરી હતી
જેપી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે જેડીએસએ એનડીએનો ભાગ બનવાનો નિર્ણય લીધો છે. અમે તેમનું ખુલ્લા દિલથી સ્વાગત કરીએ છીએ. હવે એનડીએની તાકાત વધુ મજબૂત બની છે. જેડીએસ આ વખતે એનડીએનો હિસ્સો બની ગઈ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કર્ણાટકમાં તેની રાજકીય જમીન થોડી નબળી પડી ગઈ છે.