HC On Mangalsutra: પત્ની ગળામાંથી 'મંગળસૂત્ર' ઉતારી નાખે એ પતિ પ્રત્યેની માનસિક ક્રૂરતાની પરાકાષ્ઠા છે
જસ્ટિસ વીએમ વેલુમણી અને એસ, સાંથરની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે તેણે તેના પતિથી અલગ થવાના સમયે તેનું મંગળસૂત્ર કાઢી નાખ્યું હતું.
Madras High Court On Mangalsutra: મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court ) છૂટાછેડાની અરજીને મંજૂર કરી છે, છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન પત્ની દ્વારા મંગળસૂત્ર ન પહેરવા પર કડક ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે પતિથી અલગ રહેતી પત્નીના છૂટાછેડા પહેલા મંગળસૂત્ર કાઢી નાખવું એ પતિ માટે માનસિક ક્રૂરતા સમાન છે. આ ટિપ્પણી સાથે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી.
તમને જણાવી દઈએ કે ચેન્નાઈના ઈરોડ સ્થિત મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા સી. શિવકુમારે સ્થાનિક ફેમિલી કોર્ટ (Local Family Court) ના આદેશને રદ્દ કરવાના વિરોધમાં મદ્રાસ હાઈકોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
કોર્ટે મંગળસૂત્ર અંગે કડક ટીપ્પણી કરી હતી
આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ વીએમ વેલુમણી અને એસ, સાંથરની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે તેણે તેના પતિથી અલગ થવાના સમયે તેનું મંગળસૂત્ર કાઢી નાખ્યું હતું. સુનાવણી કરતી ખંડપીઠે સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે "તે સામાન્ય સમજની બાબત છે કે વિશ્વના આ ભાગમાં લગ્ન સમારોહમાં મંગળસૂત્ર બાંધવું એ એક આવશ્યક વિધિ છે. મહિલાએ એ પણ સ્વીકાર્યું છે કે તેણે મંગળસૂત્ર કાઢી નાખ્યું હતું અને તેને બેંક લોકરમાં રાખ્યું હતું." તે જાણીતી હકીકત છે કે કોઈ પણ હિંદુ પરિણીત મહિલા તેના પતિના જીવનકાળ દરમિયાન કોઈપણ સંજોગોમાં પોતાનું મંગળસૂત્ર દૂર કરશે નહીં."
પતિની લાગણી દુભાઈ
કોર્ટે કહ્યું કે કોઈપણ હિંદુ મહિલાના ગળામાં મંગળસૂત્ર એક પવિત્ર વસ્તુ છે જે વિવાહિત જીવન ચાલુ રાખવાનું પ્રતીક છે અને પતિના મૃત્યુ પછી જ તેને દૂર કરવામાં આવે છે. તેથી પતિ જીવિત હોય ત્યારે પત્નીને મંગળસૂત્રથી અલગ કરવું એ માનસિક ક્રૂરતા કહેવાય છે કારણ કે આમ કરવાથી પતિની લાગણીઓને ઠેસ પહોંચે છે.