હિંડનબર્ગ રિપોર્ટને લઈ અરજી પર સુનાવણી, સુપ્રીમ કોર્ટે કહ્યું- રોકાણકારોના હિતની રક્ષા થઈ રહી છે ?
સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના પ્રકાશન બાદ અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થવાને કારણે ભારતીય રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના પ્રકાશન બાદ અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થવાને કારણે ભારતીય રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચે સેબી (Securities and Exchange Board of India )ને સૂચન કર્યું હતું કે ભવિષ્યમાં ભારતીય રોકાણકારોની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી શકે છે.
ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા કહ્યું "એવું કહેવાય છે કે ભારતીય રોકાણકારો દ્વારા કુલ નુકસાન કેટલાંક લાખ કરોડનું થયું છે. અમે કેવી રીતે ખાતરી કરીએ કે તેઓ સુરક્ષિત છે. તે 10 લાખ કરોડ હોવાનું કહેવાય છે. ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી કેવી રીતે કરવી. ભવિષ્યમાં સેબી માટે કઈ ભૂમિકાની કલ્પના કરવી જોઈએ. ત્યારપછી બેન્ચે સેબીને વધુ મજબૂત મિકેનિઝમ કેવી રીતે ગોઠવી શકાય તે અંગે વિગતવાર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
આ અરજીની સુનાવણી સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. એડવોકેટ વિશાલ તિવારી અને મનોહર લાલ શર્માએ અરજી દાખલ કરી છે. વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરીને મામલાની તપાસની માંગ કરી છે. જ્યારે મનોહર લાલ શર્માએ નિર્દોષ રોકાણકારોનું શોષણ અને છેતરપિંડી કરવા બદલ શોર્ટ સેલર સામે તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.
અરજીમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને ભારતમાં તેમના સહયોગીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને સેબીની કલમ 420 અને 120B હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે રોકાણકારોને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે આ અરજીનું સ્વરૂપ શું છે. અરજદારે કહ્યું કે સિવિલ પિટિશન છે, તપાસની માંગ છે. સેબી વતી સોલિસિટર જનરલે કહ્યું કે, અમે અરજીનો જવાબ દાખલ કરીશું.
CJIએ અરજીકર્તા વિશાલ તિવારીને પૂછ્યું કે, અહીં જે બન્યું તેમાં શોર્ટ સેલિંગનો આરોપ છે. ભારતીય રોકાણકારોને સંરક્ષિત કેવી રીતે કરી શકાય ? CJIએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, અમે કેવી રીતે ખાતરી કરીએ છીએ કે રોકાણકારો સુરક્ષિત છે, શું અમારી પાસે મજબૂત મિકેનિઝમ છે. શું ભવિષ્યમાં આવું ન બને તે માટે કોઈ વ્યવસ્થા છે? અખબારો અનુસાર સાત લાખ કરોડનું નુકસાન થયું હતું.
તુષાર મહેતાએ કહ્યું કે અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ બધું હિંડનબર્ગ રિપોર્ટ પરથી થયું છે. CJIએ કહ્યું કે, અમે સેબી પર કોઈ વાંધો નથી મૂકી રહ્યા. નિયમનકારી માળખામાં કોઈ સુધારાની જરૂર છે કે કેમ તે આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી કરવા માટે આપણે એક નિયમનકારી મિકેનિઝમ સ્થાપિત કરવાની જરૂર છે. શું નિષ્ણાત સમિતિની રચના કરી શકાય? તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ અંગે સૂચના લઈને કહી શકાશે.