BJP Assets: સંપત્તિમાં 9 ગણો ઉછાળો! 11 વર્ષમાં ભાજપ માલામાલ, કોંગ્રેસ કરતા કેટલા ગણી સંપત્તિ વધારે?
આવકમાં 9 ગણો ઉછાળો: ADR રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા, સત્તામાં આવ્યા બાદ ભારતનો સૌથી ધનિક પક્ષ બન્યું ભાજપ.

political funding BJP growth: ભારતીય રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માત્ર સત્તાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ સૌથી શક્તિશાળી પક્ષ બની ગયો છે. 2014 પહેલાની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વચ્ચે જમીન આસમાનનો ફેર છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના ડેટા દર્શાવે છે કે કેન્દ્રમાં સત્તા સંભાળ્યાના 11 વર્ષમાં ભાજપની સંપત્તિમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. જે પક્ષની સંપત્તિ કરોડોમાં હતી, તે આજે અબજોમાં પહોંચી ગઈ છે. આવો જાણીએ આ નાણાકીય સફરના રસપ્રદ આંકડા.
ભારતીય રાજકીય ઇતિહાસમાં પક્ષોના ભંડોળમાં થતા ફેરફારો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. તેમાં પણ ભાજપની 2014 પછીની આર્થિક પ્રગતિ આંખે ઉડીને વળગે તેવી છે. એક દાયકા પહેલા જે પક્ષ સામાન્ય સંસાધનો સાથે ચૂંટણી લડતો હતો, તે આજે ભારતનો સૌથી ધનિક રાજકીય પક્ષ બની ગયો છે. 2014 પહેલા અને પછીના આંકડાઓની સરખામણી કરીએ તો સ્પષ્ટ થાય છે કે રાજકીય સત્તાની સાથે પક્ષની તિજોરી પણ છલકાઈ ગઈ છે.
વાત કરીએ 2014ની લોકસભા ચૂંટણી પહેલાના સમયગાળાની, તો નાણાકીય વર્ષ 2013-14 માં ભાજપની આર્થિક સ્થિતિ આજના જેટલી મજબૂત નહોતી. તે સમયે પક્ષે પોતાની કુલ આવક આશરે ₹674 કરોડ જાહેર કરી હતી અને કુલ સંપત્તિ ₹781 કરોડ હતી. તે સમયગાળામાં કોંગ્રેસ અને ભાજપ જેવી રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચે આર્થિક બાબતોમાં બહુ મોટો તફાવત જોવા મળતો નહોતો.
જોકે, 2014 માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું. સત્તામાં આવ્યા પછી પક્ષની આવકમાં સતત અને ઝડપી વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022-23 સુધીના આંકડા જોઈએ તો, પક્ષની વાર્ષિક આવક વધીને ₹2,360 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ વધારો 2014 પહેલાની સરખામણીએ 250% (અઢીસો ટકા) કરતા પણ વધારે છે.
ચૂંટણીના વર્ષો દરમિયાન તો પક્ષની આવકમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2019-20 માં ભાજપે અત્યાર સુધીની સૌથી વધુ ₹3,623 કરોડ ની આવક નોંધાવી હતી. જ્યારે તાજેતરના ખુલાસા મુજબ, 2023-24 માં આ આંકડો ₹4,340 કરોડ ને પાર કરી ગયો છે. આ જંગી ભંડોળ દર્શાવે છે કે પક્ષને કોર્પોરેટ જગત અને ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મોટું અનુદાન મળ્યું છે.
સૌથી ચોંકાવનારો આંકડો કુલ સંપત્તિ (Assets) નો છે. 2013-14 માં જે સંપત્તિ માત્ર ₹781 કરોડ હતી, તે 2022-23 માં વધીને ₹7,052 કરોડ થી પણ વધુ થઈ ગઈ છે. એટલે કે માત્ર 11 વર્ષના ગાળામાં સંપત્તિમાં 9 ગણો વધારો થયો છે. આનો અર્થ એ છે કે પક્ષ પોતાની કમાણી કરતા ખર્ચ ઓછો કરે છે, જેના કારણે દર વર્ષે મોટી બચત જમા થાય છે.
આંકડાકીય વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે ભાજપ હવે એક આર્થિક 'પાવરહાઉસ' બની ગયું છે. 250% થી 400% સુધીની આવક વૃદ્ધિ અને ₹7,000 કરોડથી વધુની સંપત્તિ સાથે, ભાજપે ભારતના રાજકીય ભંડોળના માળખામાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યો છે. આજે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ આર્થિક બાબતોમાં ભાજપની આસપાસ પણ ફરકી શકે તેમ નથી.





















