માતા સક્ષમ હોવા છતાં બાળકોના ભરણપોષણની જવાબદારીથી છટકી શકે નહી પિતા, હાઇકોર્ટનો મોટો ચુકાદો
હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે માતાની પૂરતી આવક હોવા છતાં પિતા તેની જવાબદારીઓમાંથી છટકી શકે નહીં
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે કે પત્નીની પર્યાપ્ત આવક હોવા છતાં પણ પિતા પોતાના બાળકના ભરણપોષણની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. ન્યાયાધીશ સુમિત ગોયલની આગેવાની હેઠળ હાઇકોર્ટે પતિની દલીલને ફગાવી દીધી હતી. જેમાં પતિએ દાવો કર્યો હતો કે તેની પુત્રી તેની પત્નીની કસ્ટડીમાં છે અને પત્ની પાસે તેને ઉછેરવા માટે પૂરતી આવક છે તેથી તે તેની પુત્રીના ભરણપોષણ માટે જવાબદાર નથી.
હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે માતાની પૂરતી આવક હોવા છતાં પિતા તેની જવાબદારીઓમાંથી છટકી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે "જો પતિ કે પિતા યોગ્ય કમાણી કરી રહ્યા છે તો તે પોતાની પત્ની અને બાળકોની સંભાળ લેવા માટે બંધાયેલા છે. આ એક નૈતિક અને પારિવારિક જવાબદારી છે, જેનાથી તે મોં ફેરવી શકે નહીં."
આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે એક વ્યક્તિએ ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. જેમાં તેને તેની સગીર પુત્રીને દર મહિને 7,000 રૂપિયાનું વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. વ્યક્તિએ દલીલ કરી હતી કે તેની માસિક આવક માત્ર 22,000 હજાર રૂપિયા છે અને તેના પરિવારના છ સભ્યો તેની આવક પર નિર્ભર છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે તેની પત્ની તેમની દીકરીનું ભરણપોષણ કરી શકે તેટલી કમાણી કરી રહી છે.
કોર્ટે કહ્યું કે બાળક સગીર છે અને તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી, તેથી તેની સંભાળ રાખવાની તેના પિતાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. હાઈકોર્ટે તેના આદેશમાં એમ પણ કહ્યું હતું કે બાળકને ઉછેરવા માટે જરૂરી વ્યાપક પ્રયત્નો અને સંસાધનો બંને માતા-પિતા વચ્ચે સમાનરૂપે વહેંચવા જોઈએ. અંતે કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને પિતાને પુત્રીના ભરણપોષણની જવાબદારી નિભાવવા આદેશ કર્યો હતો.
વસ્તીગણતરી માટે અમિત શાહે લોન્ચ કરી CRS એપ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન?