'UP ચૂંટણીમાં હું પ્રિયંકા ગાંધીને ટક્કર આપી શકું છું', જાણો કઇ એક્ટ્રેસે કર્યો દાવો?
ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને એક તરફ તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને એક તરફ તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હવે બોલિવૂડ઼ની એન્ટ્રી થવાની છે. વારાણસીમાં મિસ ઇન્ડિયા મોસ્ટ પોપ્યુલર ફેસ 2018 રચના સિંહ યદુવંશીએ સીધી પ્રિયંકા ગાંધી વાડ્રાને ટક્કર આપવાની વાત કરી છે.
પોતાના એક શૂટ માટે વારાણસી પહોંચેલી રચનાસિંહ યદુવંશીએ કાશીમાં થયેલા વિકાસ કાર્યો અને ઉત્તર પ્રદેશમાં મહિલા સશક્તિકરણની પ્રશંસા કરી હતી. સાથે જ દેશમાં છોકરીઓ સાથે થઇ રહેલી બળાત્કારની ઘટના પર કડક કાયદો લાવવાની માંગ કરી હતી. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી દ્ધારા છોકરીઓને પ્રોત્સાહન આપવાની વાત પર રચનાસિંહે કહ્યું કે તે ફક્ત ચૂંટણીના સમયે દેખાય છે.
રચનાસિંહે કહ્યું કે જો વાસ્તવમાં પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓ અને યુવતીઓને આગળ વધારવા માંગે છે તો તે કાંઇક એવું કરે જેનાથી તમામ લોકોને વિશ્વાસ થાય. અચાનક જે રીતે તે રાજનીતિમાં આવી છે જો હું રાજનીતિમાં આવું તો તેમનાથી વધુ મત તો મને મળી જશે. મને ભાજપ અને સપા તરફથી ઓફર મળી રહી છે.
જિન્નાના સવાલ પર રચનાસિંહે કહ્યું કે હિંદુસ્તાન અબ્દુલ કલામ જેવા મહાન વ્યક્તિઓનો છે. દેશદ્રોહીની વાત ના કરવામાં આવે તો જ સારુ છે. હું બાબા શ્રીકાશી વિશ્વનાથની ભક્ત છું અને તેમાં સુધારો થઇ રહ્યો છે તો તે સારુ છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. કાશીમાં બાબા વિશ્વનાથનું મંદિર ભવ્ય થઇ રહ્યું છે તો આવું જ મથુરામાં થવું જોઇએ. રચનાસિંહે વારાણસીમાં અભ્યાસ કર્યો છે. તે 2018માં મિસ ઇન્ડિયા પોપ્યુલર ફેસ 2018માં મિસ કાશી અને 2018માં જ મિસ યુપી બની હતી. રચના ટીવી સીરિયલ તિતલિયામાં મુખ્ય કલાકારના રૂપમાં કામ કર્યું છે. બોલિવૂડ અને સાઉથની બે ફિલ્મોનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે.