Imran Khan Arrested: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનની સ્થિતિ પર ભારતની નજર, અનેક જગ્યાએ હિંસા ભડકી
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે (9 મે)ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
Imran Khan Arrested: પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે (9 મે)ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સમગ્ર પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. ઈમરાન ખાનના સમર્થકો ઠેર-ઠેર આગ લગાવી રહ્યા છે. લાહોરમાં તેમના સમર્થકોએ આર્મી કમાન્ડર કૌરનું ઘર સળગાવી દીધું અને પેશાવરમાં રેડિયો સ્ટેશનને પણ આગ લગાવી દીધી.
તેમના સમર્થકો રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાનની વર્તમાન સ્થિતિએ વિશ્વના દેશોની ચિંતા વધારી દીધી છે. ભારત પાડોશી દેશ પર પણ નજર રાખી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઈસ્લામાબાદમાં ડિપ્લોમેટિક મિશન અને ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાન ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ આવ્યા હતા ત્યારે તેમની કોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી.
ખાનના સમર્થકોએ તેમની ધરપકડના વિરોધમાં વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. પાર્ટીના કાર્યકરો કરાચી, પેશાવર અને લાહોરમાં પીટીઆઈના મુખ્ય કાર્યાલય ઈન્સાફ હાઉસ ખાતે ભેગા થવા લાગ્યા છે.
પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ બંધ
પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને કાયદેસર ગણાવી
ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડને કાયદેસર ગણાવી છે. પૂર્વ પીએમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. અનેક લોકોના જાનહાનિના સમાચાર છે.
ઈસ્લામાબાદમાં 5 અધિકારીઓ ઘાયલ, 43ની ધરપકડ
ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું હતું કે રાજધાની શહેરમાં દેખાવો દરમિયાન પાંચ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે કાયદાના ઉલ્લંઘન બદલ 43 વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સેનાએ બેકાબૂ ભીડ પર ગોળીબાર કર્યો
ઈમરાન ખાનની ધરપકડ બાદ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પાસે બેકાબૂ ભીડ પર સેનાએ ગોળીબાર કર્યો. ક્વેટામાં પીટીઆઈના એક કાર્યકર પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. અનેક લોકોના જાનહાનિના સમાચાર છે.
શાહ મહેમૂદ કુરેશીએ શાંતિપૂર્ણ વિરોધની અપીલ કરી
પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાનની ધરપકડ બાદ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પાર્ટીના આહ્વાનને પુનરોચ્ચાર કર્યો છે. કુરેશીએ લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવા અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાન સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરી.