Independence Day 2023: 1947માં ભારતને આઝાદી કેવી રીતે મળી? જાણો અન્ય રસપ્રદ જાણકારી
Independence Day 2023: 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી
Independence Day 2023: 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી. તે પછી તે સ્વતંત્ર દેશની યાદીમાં સામેલ થઇ ગયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ દેશની જનતા ઉજવણી કરી રહી હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી આઝાદીના ઈતિહાસના કેટલાક એવા પાસાઓ છે જે ઘણાને ખબર ન હતી. 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને એક અલગ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું હતું. જો કે આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી હતી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટને ભારતને એક અલગ રાષ્ટ્ર માન્યું ત્યારબાદ તેને નવી સરકાર બનાવવા માટે 30 જૂન 1948 સુધીનો સમય આપવામાં આપ્યો હતો.
મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ ના લઇ શક્યા
ભારતના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું હતું, પરંતુ તે સમયે બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ સીમા રેખા નક્કી કરવામાં આવી ન હતી. 17 ઓગસ્ટે બંને દેશો માટે રેડક્લિફ લાઇનની જાહેરાત કરવામાં આવી હતી. ભારત સિવાય વિશ્વમાં એવા ત્રણ અન્ય દેશ છે જે 15 ઓગસ્ટે જ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, આ દેશોમાં દક્ષિણ કોરિયા, કોંગો અને બહેરીનનો સમાવેશ થાય છે. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ રમખાણોની આગમાં સળગી રહ્યો હતો, આ જ કારણ હતું કે મહાત્મા ગાંધી સ્વતંત્રતા સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા.
આપણા દેશમાં પહેલીવાર 15 ઓગસ્ટના બદલે 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આઝાદી મળ્યા પછી ભારતને એક દેશ બનાવવા માટે 562 રજવાડાઓનું એકસાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલની ભૂમિકા સૌથી મહત્વની હતી. ભારતની આઝાદી પછી, તેનું રાષ્ટ્રગીત જન ગણ મન, જે 1911માં લખાયું હતું તેને 1950માં અપનાવવામાં આવ્યું હતું.
આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્ય હતા
જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે કુલ 17 રાજ્યો હતા. ભારતની આઝાદીના સમયે 1 ડૉલર એક રૂપિયાની બરાબર હતો અને 10 ગ્રામ સોનાની કિંમત 88 રૂપિયા 62 પૈસા હતી. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ગોવા આપણા દેશનો હિસ્સો ન હતો. 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેનાએ તેને પોર્ટુગીઝો પાસેથી આઝાદ કરી દેશનો એક ભાગ બનાવ્યો. 1975 માં સિક્કિમ એકમાત્ર ભારતીય સંરક્ષિત વિસ્તાર હતો, તેનો પણ ભારતીય સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો અને પછી તે જોડાતા આપણું 22મું રાજ્ય બન્યું હતું.
જો કે, સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બગાન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો.