Pahalgam Terror Attack: હનીમૂન માટે હિમાંશી સાથે યૂરોપ જવાનો હતો નેવી ઓફિસર વિનય, કિસ્મતે રમી ખરાબ રમત, વાંચો સ્ટૉરી...
Pahalgam Terror Attack: આતંકવાદીઓએ વિનયને હિમાશીની સામે ગોળી મારી દીધી. જોકે, હિમાંશીને કંઈ થયું નથી અને તે ઠીક છે

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં એક નૌકાદળના અધિકારીનો પણ સમાવેશ થાય છે. લેફ્ટનન્ટ વિનય નરવાલના લગ્ન 8 દિવસ પહેલા જ હિમાંશી નરવાલ સાથે થયા હતા અને તેઓ હનીમૂન માટે કાશ્મીર ગયા હતા. જોકે તેમનો પ્લાન યુરોપ જવાનો હતો, પરંતુ વિઝા ન મળવાને કારણે તેમણે પોતાનો પ્લાન બદલવો પડ્યો અને તેઓ કાશ્મીર ગયા.
લેફ્ટનન્ટ વિનય નરવાલ 26 વર્ષના હતા અને તેમણે આઠ દિવસ પહેલા જ હિમાંશી નરવાલ સાથે લગ્ન કર્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, આ દંપતી શરૂઆતમાં તેમના હનીમૂન માટે યુરોપ જવા માંગતું હતું પરંતુ વિઝા ન મળી શક્યા અને તેથી તેમણે યોજના રદ કરવી પડી. વિનય હરિયાણાના કરનાલનો રહેવાસી છે. તેમનો પરિવાર હરિયાણાના કરનાલના સેક્ટર 7માં રહે છે.
આતંકવાદીઓએ વિનયને હિમાશીની સામે ગોળી મારી દીધી. જોકે, હિમાંશીને કંઈ થયું નથી અને તે ઠીક છે. વિનય અને હિમાંશી 21 એપ્રિલે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા અને 22 એપ્રિલે પહેલગામની એક હોટલમાં ચેક-ઇન કર્યું. હિમાંશી નરવાલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે જણાવ્યું હતું કે તે અને વિનય પહેલગામ નજીક મિની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે પ્રખ્યાત પર્યટન સ્થળ બૈસરન ખીણની મુલાકાત લેવા ગયા હતા. પછી આતંકવાદીઓ આવ્યા અને ગોળીબાર શરૂ કર્યો. વીડિયોમાં હિમાંશી કહેતી જોવા મળે છે કે, 'હું મારા પતિ સાથે ભેલપુરી ખાતી હતી ત્યારે એક માણસ આવ્યો અને વિનય તરફ ઈશારો કરીને કહ્યું - તે મુસ્લિમ નથી અને પછી તેણે ગોળી ચલાવી.'
વિનય નરવાલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હતા અને ત્રણ વર્ષ પહેલા જ નેવીમાં જોડાયા હતા. હાલમાં તેમનું પોસ્ટિંગ કેરળના કોચીમાં હતું. તેમના પિતા રાજેશ કુમાર છે, જે પાણીપતના કસ્ટમ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ છે. વિનયની માતાનું નામ આશા દેવી અને દાદીનું નામ બીરુ દેવા છે. આશા દેવી એક ગૃહિણી છે. વિનયની મોટી બહેન સૃષ્ટિ દિલ્હીમાં રહીને સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહી છે. વિનયના દાદા હવા સિંહ હરિયાણા પોલીસમાં હતા અને તેઓ 2004માં નિવૃત્ત થયા હતા.





















