ભારતીય રેલવેએ 24 મે સુધીમાં 1100થી વધુ ટ્રેન રદ કરી, કોલસા સંકટના કારણે લેવાયો નિર્ણય
મે મહિનામાં કોલસાના કારણે વીજળીની કટોકટી વધવાની આશંકા છે, જેના કારણે કોલસાની ટ્રેનો યોગ્ય રીતે પસાર થઇ શકે તે માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ દેશમાં કોલસાના સંકટ વચ્ચે ભારતીય રેલવે સતત મોટા પગલા લઈ રહી છે. કોલસાની સપ્લાય માટે રેલવેએ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો રદ કરી છે. હવે ફરી એકવાર રેલવેએ 1100 ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.
મે મહિનામાં કોલસાના કારણે વીજળીની કટોકટી વધવાની આશંકા છે, જેના કારણે કોલસાની ટ્રેનો યોગ્ય રીતે પસાર થઇ શકે તે માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. 24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ કરવામાં આવશે. જેમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોની 500 ટ્રીપ્સ, જ્યારે પેસેન્જર ટ્રેનોની 580 ટ્રીપ્સનો સમાવેશ થાય છે. આ ટ્રેનો એટલા માટે રદ કરવામાં આવી છે જેથી થર્મલ પાવર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવતો કોલસાથી ભરેલી માલગાડીઓને સરળતાથી રસ્તો આપી શકાય, જેથી કોલસો સમયસર પહોંચી શકે.ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોલસાની કટોકટીથી વીજળીની સમસ્યા સર્જાઈ હતી. બાદમા સરકારે ઘણી બેઠકો કરી હતી. ઘણા રાજ્યોમાં પાવર કટના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કોલસાની કટોકટી અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં માહિતી આપી હતી કે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે, જે આવનારા કેટલાક દિવસો માટે પૂરતો છે. કોલ ઈન્ડિયા સહિત, ભારત પાસે 80 દિવસનો સ્ટોક છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે પણ સ્વીકાર્યું હતું કે ઘણા રાજ્યોમાં કોલસાની અછત છે. તેમણે કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોલસાની આયાતને અસર થઈ છે. ઝારખંડમાં કોલસા કંપનીઓને બાકી રકમ ન ચૂકવવાને કારણે કોલસાની કટોકટી ઊભી થઈ છે.