Influenza : શું કોરોનાની માફક હાહાકાર મચાવશે H3N2?ઓક્સિજનના આદેશથી ફફડાટ
કમિશનની બેઠકમાં રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં સજ્જતા, માનવબળ, દવા, મેડિકલ ઓક્સિજન અને સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.
H3N2 Virus: સમગ્ર દેશમાં H3N2 વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં આ વાયરસના કારણે 2 લોકોના મોત થતા કેન્દ્ર અને દેશવાસીઓની ચિંતા વધારી છે. નીતિ આયોગે ઈન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે એક એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવા માટે બેઠક યોજી છે. કમિશનની બેઠકમાં રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં સજ્જતા, માનવબળ, દવા, મેડિકલ ઓક્સિજન અને સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. કમિશને નિર્ણય લીધો છે કે, વાયરસનો સામનો કરવા માટે સૌ પ્રથમ લોકોને જાગૃત કરવાની જરૂર છે.
નીતિ આયોગની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવશે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો સામનો કરવા માટે આયોગે કોરોના જેવા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંગે રાજ્યોને પણ નિર્દેશ જારી કરવામાં આવશે. કમિશને પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. કમિશને કહ્યું હતું કે, નાક અને મોં ઢાંકવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, લક્ષણોવાળા લોકોના સંપર્કમાં ન આવવા અને લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. નીતિ આયોગના આ નિર્દેશોના કારણે એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું H3N2 વાયરસ પણ કોરોનાની માફક દેશભરમાં હાહાકાર મચાવશે?
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મોનિટરિંગ વધારવા આપ્યા આદેશ
ભારતમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાથી બે મૃત્યુ થયા છે. કર્ણાટકમાં એક અને હરિયાણામાં એક મૃત્યુ નોંધાયું છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે રાજ્યોને જાગ્રત રહેવા અને કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં દેશમાં H3N2ના 451 કેસ નોંધાયા છે.
ભારતમાં ઈન્ફલ્યુએન્ઝાથી બે મૃત્યુ
છેલ્લા ત્રણ મહિનામાં H3N2ના 90 કેસ નોંધાયા છે. જ્યારે કર્ણાટકમાં એક 82 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે આ જ વાયરસથી પીડિત હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું હતું. એક સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં 6 માર્ચે પુષ્ટિ થઈ હતી કે તે વાયરસથી સંક્રમિત છે. જ્યારે હરિયાણામાં પણ H3N2 વાયરસના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે.