પોલેન્ડમાં કાયદાની ચુંગાલમાં ફસાયેલા કેન્સરગ્રસ્ત પુત્રને ભારત લાવવા વૃધ્ધ દંપતિ ખાઈ રહ્યું છે ઠોકરો, મોદીને કરી આજીજી
મહિલાએ તેના પત્રમાં લખ્યું, મારા પુત્ર ઈશ મહાજને પોલેંડના ક્રકાઉમાં બ્રેઇન સર્જરી કરાવી હતી. જે બાદ અમે તેને મેડિકલ રિહેબિલિટેશન ફેસિલિટીમાં મોકલવાનો આગ્રહ કર્યો છે. જેનો ખર્ચ ઉપાડવાની પણ જવાબદારી લીધી છે. તેમ છતાં તેને હોસ્પાઇસ મોકલી દેવાયો છે. હોસ્પાઇસ એવું સ્થાન છે જ્યાં દર્દીને કોઈપણ પ્રકારની સારવાર આપ્યા વગર પીડા રહિત મોત માટે મોકલી દેવાં આવે છે.
દિલ્હીમાં રહેતી એક વૃદ્ધાએ પીએમ મોદી તથા વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખીને પોલેંડમાં રહેતા તેના બીમાર પુત્રને ભારત લાવવાની વિનંતી કરી છે. અનુપ મહાજન નામની મહિલાએ મોદીને પત્ર લખીને કહ્યું, તેનો 47 વર્ષીય પુત્ર ઈશ મહાજન કેન્સરથી પીડિત છે અને પોલેંડમાં રહે છે. જીવન-મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહેલા ઈશને ભારત લાવવામાં સરકાર મદદ કરે.
મહિલાએ તેના પત્રમાં લખ્યું, મારા પુત્ર ઈશ મહાજને પોલેંડના ક્રકાઉમાં બ્રેઇન સર્જરી કરાવી હતી. જે બાદ અમે તેને મેડિકલ રિહેબિલિટેશન ફેસિલિટીમાં મોકલવાનો આગ્રહ કર્યો છે. જેનો ખર્ચ ઉપાડવાની પણ જવાબદારી લીધી છે. તેમ છતાં તેને હોસ્પાઇસ મોકલી દેવાયો છે. હોસ્પાઇસ એવું સ્થાન છે જ્યાં દર્દીને કોઈપણ પ્રકારની સારવાર આપ્યા વગર પીડા રહિત મોત માટે મોકલી દેવાં આવે છે.
માતા અનુપ મહાજને જે પત્ર લખ્યો છે તે આ પ્રમાણે છે.
માનનીય પ્રધાન મંત્રીશ્રી,
મારું નામ અનુપ મહાજન, ઉ.વ. 71 વર્ષ છે. મારો 47 વર્ષીય પુત્ર ઇશ મહાજન કેન્સરની ગાંઠની બીમારીથી પીડાય છે. તેની પોલેન્ડના ક્રાકોમાં બ્રેઇન સર્જરી કરાવી હતી. તેની સારવાર માટે મદદ મેળવવા અને સલાહ મેળવવા અમે ઝઝૂમી રહ્યા છીએ અને ભટકી રહ્યા છીએ. અમે મારા પુત્ર ઇશને મેડિકલ રિહેબિલિટેશન ફેસિલિટી (Medical rehabilitation facility)માં મોકલવાની વિનંતી કરી હોવા છતાં તેમજ તેનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી હોવા છતાં તેને હોસ્પાઇસ (Hospice)માં ખસેડવામાં આવ્યો છે. હોસ્પાઇસ એ સ્થળ છે જ્યાં દર્દીને કોઇ પણ પ્રકારની સારવાર આપ્યા વગર પીડા વગર મૃત્યુ માટે મોકલવામાં આવે છે.
હોસ્પાઇસ ખાતે મારા પુત્રને કોઇ પણ પ્રકારની સારવાર વગર તેને મોર્ફિન પર રાખવામાં આવ્યો છે. તે હોસ્પાઇસમાં કોઇ પણ સારવાર વગર સાજા થવાના લક્ષણો દર્શાવી રહ્યો છે. તે તેની બંને આંખ ખોલી શકે છે અને તેના હાથ અને પગ સહેજ હલાવી શકે છે તેમજ પોતાની જાતે શ્વાસ લઇ શકે છે. આ બધું જોઇને અમે ભારતમાં ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો અને તેના તમામ મેડિકલ રિપોર્ટ અને MRI મેદાંતાના ન્યૂરોલોજી વડા ડો. વી. પી. સિંઘને મોકલી આપ્યા છે. તમામ રિપોર્ટ જોયા બાદ તેમણે એક પત્ર લખ્યો છે જે અમે ભારતીય હાઇ કમિશન તેમજ કોર્ટને મોકલી આપ્યો છે. આપશ્રી મારા પુત્રને સારવાર કરાવવા માટે તાત્કાલિક ભારત ખસેડવા માટે દરમિયાનગીરી કરો તેવી અમારી વિનંતી છે.
મારો પુત્ર કોઇ પણ પ્રકારની તબીબી સહાય વગર મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યો છે. આપશ્રી તેનો જીવ બચાવવા તાત્કાલિક પગલાં લો તેવી અમે આપની સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ. મારા જુવાનજોધ અને એક માત્ર પુત્રનો જીવ બચાવવા તેને કરુણા અને માનવતાના ધોરણે તાત્કાલિક ભારત ખસેડવા માટે આપને આજીજી કરું છું.
ઇશ મહાજને પોલેંડની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ હાલ બંને અલગ અલગ રહે છે. ઈશના માતા-પિતાએ તેની પત્ની પર મરવા માટે છોડી દીધો હોવાનો આરોપ લગાવ્યો છે. ઈશના માતા-પિતાના કહેવા મુજબ તેને હોસ્પાઇસથી બહાર કાઢવા તથા સારી હોસ્પિટલમાં દાખલ કરાવવા તેની પત્નીની મંજૂરી જરૂરીછે. કારણકે પોલેંડના કાયદા મુજબ પતિ પર પ્રથમ અધિકાર પત્નીનો છે. પરંતુ તેની પત્ની ઈશને હોસ્પાઇસમાંથી કાઢીને સારી હોસ્પિટલમાં દાખલ કરાવવા તૈયાર નથી. જેને લઈ હવે માતાએ પુત્રને બચાવવા માટે જંગ છેડ્યો છે. આ માટે તેમણે પોલેન્ડની કોર્ટમાં કેસ પણ કર્યો છે અને વિદેશ મંત્રાલયના દરવાજા પણ ખટખટાવ્યા છે. હવે આપણા વિદેશ મંત્રી જો આ મામલે રસ લે તો પોલેન્ડમાં રહેતા યુવાનને નવી જિંદગી મળવાની સાથે દીકરાને સાજો થવાની રાહ જોતા વૃદ્ધ માતા-પિતાને જીવનનું સૌથી મોટું સુખ મળશે.