રાઈડ કેન્સલ કરી તો વોટ્સએપ પર મોકલ્યા ન્યૂડ ફોટા અને વીડિયો, કેબ ડ્રાઈવરની શરમજનક હરકત
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેબ રાઈડ કેન્સલ કર્યા બાદ એક મહિલાનો મોબાઈલ અશ્લીલ ફોટા અને વીડિયોથી ભરાઈ ગયો હતો.
Bengaluru Cab Driver Case: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેબ રાઈડ કેન્સલ કર્યા બાદ એક મહિલાનો મોબાઈલ અશ્લીલ ફોટા અને વીડિયોથી ભરાઈ ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી ડ્રાઈવરની શોધખોળ શરુ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જ્યારે 32 વર્ષીય મહિલાએ કેબ રાઈડ કેન્સલ કરી ત્યારે તેણે જે વોટ્સએપ નંબર પરથી બુકિંગ કરાવ્યું હતું તેના પર અશ્લીલ ફોટા અને વીડિયો આવવા લાગ્યા હતા.
મહિલાને 6 વર્ષની પુત્રી અને નવ મહિનાનું બાળક છે. આ મહિલાએ કહ્યું, "મેં એક કેબ બુક કરી કારણ કે મારી દિકરી ચાલવા માટે તૈયાર ન હતી. બુકિંગની ત્રણ મિનિટ પછી, મારી પુત્રી રડવા લાગી. ઓટો મળી જતા મેં કેબ રાઈડ કેન્સલ કરી હતી. જેના માટે મારી પાસેથી 60 રૂપિયા લેવામાં આવ્યા હતા.
રાઈડ કેન્સલ કર્યા પછી પણ ડ્રાઈવર ફોન કરતો રહ્યો
આ પછી જ તેની સમસ્યાઓ શરૂ થઈ. ડ્રાઈવર જેની ઓખળ દિનેશ તરીકે થઈ છે. તેણે તેને વારંવાર ફોન કર્યો અને તેને કેબ લેવા કહ્યું કારણ કે તે પીકઅપ કરવા માટે પહેલેથી જ 5 કિમી ચલાવી ચૂક્યો હતો. તે આગ્રહ કરી રહ્યો હતો કે તે લોકેશન પર પહોંચી ગયો છે.
મહિલાએ ડ્રાઈવરની માફી માંગી અને કહ્યું કે બાળક રડી રહ્યું હતું તેથી તેને ઓટો લેવી પડી. આમ છતાં ડ્રાઈવરના સતત કોલ અને મેસેજ ચાલુ રહ્યા. આ પછી વોટ્સએપ પર અશ્લીલ વીડિયો અને ફોટા આવવા લાગ્યા. ડ્રાઈવરે મહિલાને એટલી હેરાન કરી રહ્યો હતો કે તે રડી રહી હતી, પછી પાડોશીઓએ ફોન લઈ લીધો અને ડ્રાઈવરને ઠપકો આપ્યો. ત્યારબાદ તેણે મેસેજ ડિલીટ કરી દીધા અને કોલ કરવાનું બંધ કરી દીધું. મહિલાએ 9 ઓક્ટોબરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગ્રાહકનો નંબર કેબ ડ્રાઈવર સુધી પહોંચતો નથી
તમને જણાવી દઈએ કે એપ દ્વારા કેબ બુક કરાવવા પર ગ્રાહકનો નંબર સીધો ડ્રાઈવર પાસે નથી જતો પરંતુ હોસ્ટ કંપનીની એપ દ્વારા કોલ કરવામાં આવે છે. બેંગલુરુના કિસ્સામાં રાઈડ કેન્સલ કર્યા પછી ડ્રાઈવર મહિલાનો નંબર કેવી રીતે એક્સેસ કરી શક્યો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે એગ્રીગેટર પાસેથી ડ્રાઈવરની વિગતો માંગી છે. આ મામલામાં IPC (યૌન ઉત્પીડન) અને IT એક્ટની કલમ 354A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.