Karnataka: ચાર દિવસ પછી પણ કર્ણાટકમાં કોગ્રેસને નથી મળ્યા મુખ્યમંત્રી, સોનિયાને આજે મળી શકે છે ડીકે શિવકુમાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યાના ચાર દિવસ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રી અંગે નિર્ણય કરી શકી નથી
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યાના ચાર દિવસ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રી અંગે નિર્ણય કરી શકી નથી. પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બેમાંથી કોની પસંદગી કરવી એ કોગ્રેસ હાઇકમાન્ડ માટે મૂંઝવણ ઊભી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને નેતાઓની દિવસભરની બેઠક અનિર્ણિત રહી હતી. કોગ્રેસ આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.
શિવકુમાર મંગળવારે સવારે રાજધાની પહોંચ્યા હતા. લગભગ અડધો કલાક સુધી ખડગે સાથેની બેઠકમાં તેમણે સીએમ તરીકે સિદ્ધારમૈયાના નામને નકારી કાઢ્યું એટલું જ નહીં, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવાની કે સીએમનું પદ વહેંચવાની ઓફર પણ નકારી કાઢી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પોતાને સીએમ પદ માટે હકદાર ગણાવ્યા હતા.
શિવકુમારે ખડગેને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરી ન હતી, પરંતુ દિલ્હી જતા પહેલા બેંગ્લોરમાં કહ્યું હતું કે, પાર્ટી મારી માતા છે અને એક માતા પોતાના પુત્રને બધું આપે છે. પાર્ટી ઈચ્છે તો મને જવાબદારી આપી શકે છે. અમે સંયુક્ત કુટુંબ છીએ, હું કોઈને વિભાજિત કરવા નથી માંગતો. હું એક જવાબદાર વ્યક્તિ છું. પાર્ટીનો નિર્ણય ગમે તે હોય. હું બ્લેકમેઇલ કરીશ નહી. હું પાર્ટી છોડીશ નહીં. જો કોઈ ચેનલ રિપોર્ટ બનાવી રહી છે કે હું પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, તો હું તેની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. કેટલાક એવા અહેવાલ આપી રહ્યા છે કે હું રાજીનામું આપીશ, એવું કંઈ નથી. પાર્ટી મારી માતા છે. અમારી પાસે 135 ધારાસભ્યો છે.
સિદ્ધારમૈયા ખડગેને બે વાર મળ્યા હતા
સિદ્ધારમૈયાએ ખડગે સાથે લગભગ એક કલાક સુધી ચર્ચા કરી હતી. દિવસ દરમિયાન પણ સિદ્ધારમૈયા તેમના પુત્ર યતિન્દ્ર સાથે ખડગેને મળ્યા હતા. કેટલાક ધારાસભ્યો પણ તેમની સાથે હતા. રાહુલ પણ ખડગેના ઘરે પહોંચ્યા હતા. બંનેએ લગભગ એક કલાક સુધી વાત કરી હતી.
સીએમ પદની રેસમાં ત્રીજા દાવેદાર પણ ઉતર્યા છે. વરિષ્ઠ દલિત નેતા જી. પરમેશ્વરએ કહ્યું કે, જો હાઈકમાન્ડ ઈચ્છે તો હું જવાબદારી લેવા તૈયાર છું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરે કહ્યું હતું કે, દલિત નેતાને મુખ્યમંત્રી બનાવવો જોઈએ. પાર્ટી માટે મારી સેવાઓથી હાઈકમાન્ડ વાકેફ છે. હું 50 ધારાસભ્યોનું અલગ જૂથ બનાવી શકું છું, પરંતુ એક શિસ્તબદ્ધ સૈનિક હોવાને કારણે હું આવું નહીં કરું.
ડીકે આજે સોનિયાને મળી શકે છે
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે નવા મુખ્યમંત્રીને લઈને બુધવારે સવારે બીજી બેઠક થશે. સોનિયા ગાંધી પણ આમાં ભાગ લે તેવી શક્યતા છે. શિવકુમાર સાથે તેમની મુલાકાત પણ શક્ય છે. સૂત્રોનું કહેવું છે કે ડીકે સોનિયાના પ્રસ્તાવ પર સહમત થઈ શકે છે. જો કે આ પ્રસ્તાવ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે કર્ણાટક અંગે એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.