કેરળના જ્યોર્જ 1978માં 3500 શેર ખરીદીને ભૂલી ગયેલા, અત્યારે કિંમત છે 1450 કરોડ રૂપિયા પણ.....
બાબુ જ્યોર્જે તેના ચાર સંબંધીઓ સાથે મેવાડ ઓઇલ અને જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદ્યા હતા. તે સમયે આ કંપની ઉદયપુરની અનલિસ્ટેડ કંપની હતી.
એવું કહેવાય છે કે જ્યારે નસીબ બદલાઈ ત્યારે બધું જ બદલાઈ જાય છે. આવું જ કંઇક કેરળના બાબુ જ્યોર્જ વલવી સાથે થયું. 43 વર્ષ પહેલા જ્યારે જ્યોર્જને શેરમાં કરેલ રોકાણ યાદ આવ્યું ત્યારે તેને ખબર પડી કે તે કરોડો રૂપિયાના માલિક બની ગયા છે. જો કે કંપની તેમને ચૂકવવાનો ઇનકાર કરી રહી છે અને મામલો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે છે.
બાબુ જ્યોર્જે 1978માં 3500 શેર ખરીદ્યા હતા. આજે તેમની કિંમત 1448 કરોડ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે 74 વર્ષના બાબુ જ્યોર્જ અને તેમનો પરિવાર એ સાબિત કરવામાં વ્યસ્ત છે કે તેઓ કંપનીના શેરના વાસ્તવિક માલિક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબુ જ્યોર્જે તેના ચાર સંબંધીઓ સાથે મેવાડ ઓઇલ અને જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદ્યા હતા. તે સમયે આ કંપની ઉદયપુરની અનલિસ્ટેડ કંપની હતી.
બાબુ જ્યોર્જે આ શેર ખરીદ્યા હતા જ્યારે તે એક કંપનીના ડિસ્ટ્રીબ્યુટર હતા. તે સમયે 3500 શેર ખરીદીને તે આ કંપનીમાં 2.8%ના શેરહોલ્ડર બન્યા હતા. કંપનીના સ્થાપક-ચેરમેન પીપી સિંઘલ અને બાબુ જ્યોર્જ પણ મિત્રો હતા. તે સમયે કંપની અનલિસ્ટેડ હતી અને કોઈ ડિવિડન્ડ ચૂકવતી ન હતી, જેના કારણે બાબુ જ્યોર્જ અને તેનો પરિવાર તેમનું રોકાણ ભૂલી ગયા હતા.
2015માં બાબુ જ્યોર્જ કેટલાક જૂના દસ્તાવેજોની તપાસ કરી રહ્યો હતો. પછી તેને યાદ આવ્યું કે તેણે ઉદયપુરની એક કંપનીમાં રોકાણ કર્યું હતું. બાબુ પાસે મૂળ શેરના દસ્તાવેજો હતા અને તેણે શેર વિશે વધુ માહિતી ભેગી કરવાનો પ્રયાસ શરૂ કર્યો. તેમને માહિતી મળી કે મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડ હવે PI ઇન્ડસ્ટ્રીઝ બની ગઇ છે અને આ કંપની પણ લિસ્ટેડ થઇ ગઇ છે. તે બહાર આવ્યું કે આ કંપની પણ નફો કરી રહી છે.
જ્યારે બાબુ જ્યોર્જે તેના શેર અંગે કંપનીનો સંપર્ક કર્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તે કંપનીનો શેરહોલ્ડર નથી અને તેના શેર 1989 માં જ બીજા કોઈને વેચવામાં આવ્યા હતા. તેઓએ કંપની પર ડુપ્લિકેટ શેરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે તેમના શેર બીજા કોઈને વેચવાનો આરોપ લગાવ્યો છે.
કંપનીએ તેમના દાવાઓની પણ તપાસ કરી. આ પછી વર્ષ 2016 માં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે તેમને આર્બિટ્રેશન માટે દિલ્હી બોલાવ્યા. તેમણે ત્યાં જવાની ના પાડી દીધી. પછી કંપનીએ બે વરિષ્ઠ અધિકારીઓને તેમના દસ્તાવેજો તપાસવા માટે કેરળ મોકલ્યા. કંપનીએ સ્વીકાર્યું કે તેમની સાથેના દસ્તાવેજો મૂળ છે. તેમ છતાં કંપની તેને રૂપિયા આપવામાં આનાકાની કરી રહી છે.
આ જોઈને બાબુ જ્યોર્જે સેબીનો દરવાજો ખટખટાવ્યો છે. લગભગ છ વર્ષ પહેલા સેબીમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ તેમને હજુ સુધી કોઈ નક્કર જવાબ મળ્યો નથી. અન્ય એક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે PI ઇન્ડસ્ટ્રીઝે SEBI ની તપાસના જવાબમાં દાવો કર્યો હતો કે શેર 1989 માં અન્ય લોકોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
બાબુએ કહ્યું, “જો રોકાણકારોની છેલ્લી આશા ગણાતી સેબી સમયસર પગલાં ન લેતી હોય તો તેનો શું ઉપયોગ? આ ઘણા રોકાણકારોને ખોટો સંદેશ આપશે કે સેબી અને ભારત સરકાર આ મામલે યોગ્ય રીતે કામ કરી રહી નથી. હું ન્યાય ઈચ્છું છું અને ન્યાયમાં વિલંબ થઈ શકે નહીં. " વલવી ઈચ્છે છે કે સેબી આ મામલે તાત્કાલિક તપાસ કરે અને તેના પૈસા પરત મેળવે.