Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
આ ઉપરાંત ક્રાઈમબ્રાંચે દર્દીઓની ઓરિજનલ ફાઈલો પણ કબ્જે લીધી છે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સૌથી મોટા પાપનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. લોકોના ઓપરેશન કરી રૂપિયા કમાવવા છેલ્લા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા હતાં. આ કેમ્પ પાછળ CEO રાહુલ જૈન, માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલની પણ ભૂમિકા સામે આવતા હવે ક્રાઈમબ્રાંચ તેમની શોધખોળ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખ્યાતિ હોસ્પિટલમાં ઝીણવટભરી તપાસ કરી હતી.
હોસ્પિટલમાંથી ગુનાને સંલગ્ન બે કોમ્પ્યુટર કબ્જે કર્યા છે. આ ઉપરાંત ક્રાઈમબ્રાંચે દર્દીઓની ઓરિજનલ ફાઈલો પણ કબ્જે લીધી છે. આ તરફ વોન્ટેડ કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી હાલ પોલીસ પકડથી દૂર છે, તો આરોપીના ઘરે પણ તાળા લટકી રહ્યા છે. ત્યારે ક્રાઈમબ્રાંચ ફરાર આરોપીઓના ઘરના તાળા તોડીને વીડિયોગ્રાફી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરશે. ખ્યાતિના મની માફિયાઓએ એક જ મહિનામાં 13 ફ્રી મેડિકલ કેમ્પ યોજી અનેક ગરીબ દર્દીઓને ખોટી બીમારીઓ બતાવી ખ્યાતિ હોસ્પિટલમાં લાવીને એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ખુલાસો થયો હતો. રૂપિયા કમાનારો કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં દિવાળી વેકશન માણી રહ્યાનો સૂત્રોએ દાવો કર્યો હતો. તો ક્રાઈમબ્રાંચની તપાસમાં બે અન્ય નામો આવ્યા છે. રાહુલ જૈન અને મિલિન્દ પટેલ હવે તેના નામો સામે આવતા પોલીસે તેમના વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ તરફ પોલીસના સૂત્રોમાંથી એવી પણ માહિતી મળી કે ખ્યાતિ હોસ્પિટલ વર્ષ 2012માં ચિરાગ રાજપૂતે ખરીદી હતી. ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન અને મિલિન્દ પટેલ વિરૂદ્ધમાં અગાઉ છેતરપિંડીની ફરિયાદ નોંધાયાની ક્રાઈમબ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ઈ-ગુજકોપમાંથી માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ હવે ખ્યાતિ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ વિના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે સૌથી મોટો સવાલ છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના તો હાલ એડમિશન રદ થાય તેવી શક્યતા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હોસ્પિટલને સરકાર તરફથી સીલ કરાઈ નથી પરંતુ હોસ્પિટલમાં તમામ સેવાઓ હાલ છે બંધ હાલતમાં છે. કોઈપણ નર્સિંગ કોલેજ ચલાવવા પોતાની હોસ્પિટલ ચાલુ સ્થિતિમાં હોવી આવશ્યક છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલ બંધ હોવાથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરફથી રૂબરૂ મુલાકાત કરીને ખ્યાતિ હોસ્પિટલ બંધ હોવાનો રિપોર્ટ બોર્ડમાં રજૂ કરવામાં આવશે. ખ્યાતિ નર્સિંગ કોલેજમાં ચાલુ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતમાં 30 જનરલ નર્સિંગ સીટમાં 2 વિદ્યાર્થીઓ અને BSC નર્સિંગમાં 40માંથી 9 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. ખ્યાતિ હોસ્પિટલના તબીબોના અને સંચાલકોના કાંડને લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેવી સ્થિતિમાં છે કારણ કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું એડમિશન રદ થઈ શકે છે. જ્યારે બીજા અને ત્રીજા વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવશે.