શોધખોળ કરો
દેશનાં આ બે મોટાં રાજ્યોમાં 31 ઓગસ્ટ સુધી લદાયું લોકડાઉન, બિહારમાં 16 ઓગસ્ટ સુધી લોકડાઉન
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. ગાઈડલાઇન અનુસાર, પાંચ ઓગસ્ટ સવારે 9 કલાકથી સાંજે 7 કલાક સુધી મોલ અને માર્કેટ કોમ્પલેક્સ ખુલવાની મંજૂરી આપવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. 1 ઓગસ્ટથી દેશમાં અનલોક-3ની શરૂઆત થશે. જેમાં રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે અને યોગ સંસ્થા અને જીમ 5 ઓગસ્ટથી ખોલી શકાશે. આ દરમિયાન દેશના બે મોટા રાજ્યો અને કોરોના સંક્રમિતમાં સૌથી ટોચ પર રહેલા મહારાષ્ટ્ર અને તમિલનાડુએ 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. ગાઈડલાઇન અનુસાર, પાંચ ઓગસ્ટ સવારે 9 કલાકથી સાંજે 7 કલાક સુધી મોલ અને માર્કેટ કોમ્પલેક્સ ખુલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, મોલ અને માર્કેટ કોમ્પલેક્સમાં થિયેટર, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ નહીં ખુલે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ચાર લાખને પાર કરી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે આ લોકડાઉનને Mission Begin Again નામ આપ્યું છે. તમિલનાડુઃતમિલનાડુમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે રાજ્ય સરકારે લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. રવિવારે કોઈપણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે. જોકે 31 ઓગસ્ટ સુધી જાહેર કરાયેલા લોકડાઉનના દિશા નિર્દેશમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 2,34,114 પર પહોંચી છે. બિહારઃ બિહારમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નવો આદેશ જાહેર કરીને લોકડાઉનને 16 ઓગસ્ટ સુધી લંબાવવાનો ફેંસલો કર્યો છે. ઓર્ડરમાં બિહાર સરકારે કહ્યું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 45,919 પર પહોંચી છે અને 273 લોકોના મોત થયા છે. દેશમાં શું છે કોરોનાની સ્થિતિ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 775 લોકોના મોત થયા છે અને 52,123 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,83,792 પર પહોંચી છે અને 34,968 લોકોના મોત થયા છે. 10,20,582 લોકો સાજા થઈ ગયા છે અને 5,28,242 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો





















