'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
શાસક ગઠબંધન અને વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓ પર સામસામે રહેશે

કોંગ્રેસે તેના લોકસભા સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે, જેમાં તેમને સોમવારથી શરૂ થતા ત્રણ દિવસ માટે ગૃહમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. દરમિયાન પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. શાસક ગઠબંધન અને વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓ પર સામસામે રહેશે.
સંસદનું પહેલું અઠવાડિયું હંગામામાં પસાર થયું
કોંગ્રેસ દ્વારા જાહેર કરેલા વ્હીપ મુજબ, સાંસદોએ ફરજિયાતપણે ગૃહમાં હાજર રહેવું પડશે. બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને અન્ય મુદ્દાઓ સામે વિપક્ષના વિરોધને કારણે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ અઠવાડિયાનો મોટાભાગનો સમય બગાડવામાં આવ્યો હતો.
શાસક અને વિપક્ષી પક્ષો સોમવારે લોકસભામાં પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરવા સંમત થયા છે. મંગળવારે રાજ્યસભામાં આની ચર્ચા કરવામાં આવશે.
સરકાર અને વિપક્ષ વચ્ચે સર્વસંમતિ બન્યા બાદ આજથી લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ થશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ચર્ચા શરૂ કરશે. ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને નિશિકાંત દુબે પણ તેમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અને રાજ્યસભા બંનેમાં બોલી શકે છે. વિપક્ષ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પર પણ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગે છે, તેથી ચર્ચા દરમિયાન જોરદાર હોબાળો થવાની સંભાવના છે.
લોકસભામાં કામકાજની યાદી અનુસાર, ગૃહમાં 'ઓપરેશન સિંદૂર' પર વિગતવાર ચર્ચા થશે. આ ચર્ચા મહત્વપૂર્ણ છે કારણ કે તે દેશની લશ્કરી કાર્યવાહી સાથે સંબંધિત છે. પહેલા અઠવાડિયામાં જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાને કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ કરી શકે છે.
પીએમ મોદી ચર્ચામાં જોડાઈ શકે છે
લોકસભામાં ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસ્તક્ષેપ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે તેઓ રાજ્યસભામાં પણ હસ્તક્ષેપ કરી શકે છે. મંગળવારે રાજ્યસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ થશે. રાજનાથ સિંહ અને એસ.જયશંકર પણ રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેશે.
મંગળવારે રાજ્યસભામાં ચર્ચા થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીને આ ચર્ચા માટે 30 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટી તરફથી અખિલેશ યાદવ અને સાંસદ રાજીવ રાય ચર્ચામાં ભાગ લેશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' પર 28 જૂલાઈએ લોકસભામાં 16 કલાક અને 29 જૂલાઈએ રાજ્યસભામાં 16 કલાક ચર્ચા કરવામાં આવશે.





















