Lucknow Building Collapse: લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
Lucknow News: આ ઘટના બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતુ. ઘટનાને લઇને એલડીએએ રાત્રે જ તપાસ રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો.
Lucknow Building Collapse: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે સાંજે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાયેલા આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 28 લોકો ઘાયલ થયા છે. કોમ્પ્લેક્સમાં ફાર્માસ્યુટિકલ અને એન્જિન ઓઈલ કંપનીઓ સહિત ચાર વેરહાઉસ હતા, જેમાં 30થી વધુ લોકો કામ કરતા હતા. રાત્રે પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી.
જો કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે. જેથી મૃત્યુઆંક વધે તેવી શક્યતાને નકારી ન શકાય રાત્રિ દરમિયાન પણ પોલીસની સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી રહી હતી. જો કે, શું આ બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ? આ પ્રશ્ન પર વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ આસપાસના લોકોના જણાવ્યા મુજબ પાણી ભરાવાને કારણે બિલ્ડિંગનો પાયો નબળો પડી ગયો હતો.
આ અંગે અનેક વખત વહીવટી તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આ સમસ્યા તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ટ્રાન્સપોર્ટ નગર વેપાર બોર્ડ અને વેરહાઉસના પ્રવક્તા રાજનારાયણ સિંહે જણાવ્યું કે જો પાણી ભરાયા ન હોત તો આ ઘટના બની ન હોત. બીજી તરફ ડીએમએ કહ્યું કે સંપૂર્ણ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જ્યારે એલડીએ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 31 ઓગસ્ટ 2010ના રોજ બિલ્ડિંગનો નકશો પાસ કરવામાં આવ્યો હતો.
જ્યારે આ ઘટના બાદ એલડીએ ઓફિસ આખી રાત ખુલ્લી રહી હતી અને તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. બાંધકામ દરમિયાન કોઈ ગેરરીતિઓ અને ધોરણોની અવગણના કરવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવા એલડીએના સચિવ સાથેની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સૂત્રોનું માનીએ તો આ ઘટનાનો તપાસ રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવ્યો છે.
આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં જસમીત સાહની, પંકજ તિવારી, ધીરજ ગુપ્તા, રાજકિશોર, અરુણ સોનકર, જગરૂપ સિંહ, રૂદ્ર યાદવ અને રાકેશનો સમાવેશ થાય છે. હવે આ ઘટના બાદ એલડીએ ટ્રાન્સપોર્ટ નગરમાં બનેલા અન્ય મકાનોની પણ તપાસ કરી રહી છે. તેની તપાસ એલડીએ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત નિરીક્ષણ હેઠળ કરવામાં આવશે.
જો કે આ ઘટના બાદ આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી અને હવે કોઈના દટાઈ જવાની શક્યતા ઓછી છે. ડિવિઝનલ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્ય આખી રાત સ્થળ પર હાજર રહ્યા હતા.