Maharashtra Cabinet: મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ, દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેશે આ વિભાગો
Maharashtra Cabinet Expansion:સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે.
Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે આ અઠવાડિયે તેમની કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગૃહવિભાગ સંભાળે તેવી ધારણા છે. કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ કેબિનેટનો ભાગ હશે. વિસ્તરણ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની પ્રક્રિયા શરૂ થશે.
આ અઠવાડિયામાં જ થશે કેબિનેટનું વિસ્તરણ
મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં જ એટલે કે 8 ઓગસ્ટથી શરૂ થયા અઠવાડિયામાં જ કેબિનેટનું વિસ્તરણ થશે. મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે દિલ્હીમાં છે. તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લીધો હતો.
શિંદે - ફડણવીસના શપથને 35 દિવસ થઇ ગયા
સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શપથ લીધાને 35 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવાનું બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી શકે છે.
કેબિનેટ વિસ્તરણમાં વિલંબ પર CM શિંદેએ શું કહ્યું?
શનિવારે સીએમ શિંદેએ કહ્યું હતું કે કેબિનેટના વિસ્તરણમાં વિલંબને કારણે રાજ્ય સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી. ટૂંક સમયમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
મંત્રીઓની યાદી પણ તૈયાર થઇ ગઈ
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર કેબિનેટમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને સીએમ શિંદે બીજેપી હાઈકમાન્ડના કેટલાક નેતાઓ સાથે વાતચીત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીઓની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.
વિપક્ષી નેતાઓએ કરી ટીકા
એકનાથ શિંદે અને ફડણવીસે 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી બંનેએ બે સભ્યોના મંત્રીમંડળ તરીકે સેવા આપી છે, જેની એનસીપી નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના વિપક્ષી નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે.
વિપક્ષની ટીકાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અજિત પવાર વિપક્ષના નેતા છે, તેમણે આવી વાતો કરવી પડશે. તેઓ ભૂલી ગયા છે કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે પહેલા 32 દિવસમાં માત્ર પાંચ મંત્રી હતા. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.