Lockdown: દેશના આ મોટા શહેરમાં શરૂ થઈ કોરોનાની ત્રીજી લહેર, લગાવાશે લોકડાઉન
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિન રાઉતે આપેલા નિવેદન બાદ લોકોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું કે, નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે અને જલદી જ શહેરમાં પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે.
નાગપુરઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન મચેલી તબાહીથી લોકો હજુ ડરેલા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંભવિત ત્રીજી લહેરને તમામ તૈયારી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર સમયાંતરે રાજ્યોને આ અંગેના નિર્દેશ પણ આપે છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિન રાઉતે આપેલા નિવેદન બાદ લોકોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું કે, નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે અને જલદી જ શહેરમાં પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે.
મત્રી નિતિન રાઉતે કહ્યું, નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. જેના કારણે છેલ્લા થોડા દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ મામલામાં વધારો થયો છે. 13 પોઝિટિવ લોકો મળ્યા હતા જેમાંથી 12 લોકોએ વેક્સિન લીધી હતી. ઘણા દિવસો બાદ ડબલ પોઝિટિવ મામલા આવ્યા છે. અહીંયા ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે.
મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 31,222 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 42,292 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,070 એક્ટિવ કેસ ઘટ્યા છે. રિકવરી રેટ 97થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 19,688 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 135 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 63 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે, જયારે 46 ટકા મોત પણ માત્ર કેરળમાં જ થયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 58 હજાર 843
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 24 હજાર 937
- કુલ એક્ટિવ કેસઃ 9 લાખ 92 હજાર 864
- કુલ મોતઃ 4 લાખ 41 હજાર 042
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,90,62,776 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 1.13 કરોડ લોકોને રસી અપાઈ હતી. ICMRના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 53,31,89,348 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી ગઈકાલે 15,26,056 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.