Maharashtra Omicron Case:કર્ણાટક અને ગુજરાત બાદ મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી પરત આવેલ વ્યક્તિ થયો સંક્રમિત
મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે એન્ટ્રી કરી છે. મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારમાં વિદેશથી પરત આવેલા એક વ્યક્તિને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે એન્ટ્રી કરી છે. મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારમાં વિદેશથી પરત આવેલા એક વ્યક્તિને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના નિર્દેશકે આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે ગુજરાતમાં એક 72 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા.
ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિની ઉંમર 33 વર્ષ છે અને તે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે. નોંધપાત્ર રીતે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટનો આ પ્રથમ કેસ છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં ચાર કેસની પુષ્ટિ થઈ છે. જેમાં પહેલા બે કેસ કર્ણાટકમાં અને ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયા છે. કર્ણાટકમાં સંક્રમિત મળી આવેલા બંને લોકોની ઉંમર 66 વર્ષ અને 46 વર્ષની હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીને લઈ બોલાવી બેઠક, શું આપ્યો આદેશ?
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઓમિક્રોન વેરિયન્ટને લઈ યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે.
ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહિ કરવા તાકીદ કરી હતી. ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે.