PM મોદી અને ભારત પર વિવાદિત ટિપ્પણી ભારે પડી, માલદીવે સસ્પેન્ડ કર્યા મરિયમ શિઉના સહિત 3 મંત્રી
માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે.
India Maldives Row: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાડવાને લઈને સર્જાયેલા વિવાદ પર માલદીવ સરકારે મોટી કાર્યવાહી કરી છે. માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પણ તેમના નિવેદનોને અંગત ગણાવ્યા હતા.
ભારતે સત્તાવાર રીતે માલદીવ સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. આના પર માલદીવ સરકારે કડક પગલાં લીધા અને ડેપ્યુટી મિનિસ્ટર (યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલય) મરિયમ શિઉના, નાયબ પ્રધાન (પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય) હસન ઝિહાન અને નાયબ પ્રધાન (યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલય) માલશાને સસ્પેન્ડ કર્યા છે.
મોહમ્મદ મુઇઝ્ઝુની નવી સરકાર આવ્યા બાદ માલદીવ સાથે ભારતના સંબંધો બગડી રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન શેર કરેલી કેટલીક તસવીરો પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે આ વાતને વેગ મળ્યો હતો.
નવી સરકાર આવ્યા બાદ સંબંધો બગડી રહ્યા હતા
મોહમ્મદ મુઇઝ્ઝુની નવી સરકાર આવ્યા બાદ માલદીવ સાથે ભારતના સંબંધો બગડી રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન શેર કરેલી કેટલીક તસવીરો પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે આ વાતને વેગ મળ્યો હતો.
ઝાહિદ રમીઝે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
આ દરમિયાન પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાતે ઈન્ટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ લક્ષદ્વીપની તુલના માલદીવ સાથે કરી રહ્યા છે, જે તેના સુંદર બીચ માટે જાણીતું એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવી અને તેમની તસવીરો પર ટિપ્પણી કરી.
રમીઝે 5 જાન્યુઆરીએ વધુ એક ટ્વિટ શેર કરી અને કહ્યું કે નિઃશંકપણે આ એક સારું પગલું છે. પરંતુ ભારત ક્યારેય આપણી સમાન ન હોઈ શકે. માલદીવ પ્રવાસીઓને જે સેવા આપે છે તે ભારત કેવી રીતે આપશે ? તેઓ આપણા જેટલી સ્વચ્છતા કેવી રીતે જાળવી શકશે ? તેમના રૂમમાં આવતી દુર્ગંધ તેમના માટે અને પ્રવાસીઓ માટે સૌથી મોટી સમસ્યા હશે.
મરિયમ શિઉનાએ પીએમ મોદી પર પણ વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી
યુઝર્સ ઝાહિદ રમીઝને તેની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઉગ્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો માલદીવ પર સતત પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ભારતીય યૂઝર્સ #BoycottMaldives અભિયાન ચલાવી રહ્યા છે. ઝાહિદ રમીઝ ઉપરાંત મંત્રી મરિયમ શિઉનાએ પણ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જો કે, પોતાને ઘેરાયેલો જોઈને શિઉનાએ તેની પોસ્ટ ડિલીટ કરી દીધી.