Manipur Violence: મણિપુરમાં ફાયરિંગમાં બે લોકોના મોત, હિંસક થયેલી ભીડને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલલ છોડ્યા
ગોળીબારમાં માર્યા ગયેલા એક વ્યક્તિના મૃતદેહને ઇમ્ફાલના એક ચોકમાં પરંપરાગત શબપેટીમાં રાખવામાં આવ્યો હતો
Manipur Violence: ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી એન બિરેન સિંહના દાવાઓ વચ્ચે મણિપુરમાંથી ફરી એકવાર હિંસાની ઘટના બની હતી. ફાયરિંગમાં બે લોકોના મોત થતા સ્થિતિ વણસી હતી. લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળોને ભીડને વિખેરવા માટે પોલીસ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે.
મૃતદેહ સાથે લોકોએ પ્રદર્શન કર્યું
વાસ્તવમાં કાંગપોકપી જિલ્લામાં ગોળીબારમાં માર્યા ગયેલા એક વ્યક્તિના મૃતદેહને ઇમ્ફાલના એક ચોકમાં પરંપરાગત શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓ ભેગા થયા અને ટોળાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી શબપેટી સાથે સરઘસ કાઢવાની ધમકી આપી હતી. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મણિપુરના કાંગપોકપી જિલ્લાના હરાઓઠેલ ગામમાં ગુરુવારે સવારે સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે શંકાસ્પદ તોફાનીઓ માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બે પ્રદર્શનકારીઓ જે સમુદાયથી આવે છે તે સમુદાયના સભ્યોએ તેના મૃતદેહો સાથે ઇમ્ફાલમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી સરઘસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચતા અટકાવ્યા ત્યારે લોકો હિંસક બન્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો અને લાંબી જહેમત બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી.
રાહુલ ગાંધીની મુલાકાતને લઇને વિવાદ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હિંસાગ્રસ્ત મણિપુરના બે દિવસના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચાંદપુરમાં રાહત શિબિરોમાં લોકોની મુલાકાત લીધી હતી. દરમિયાન રાહુલ ગાંધીને એરપોર્ટ પાસે રોકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર મારફતે રાહત શિબિરો સુધી લઇ જવાયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "મણિપુરમાં શાંતિનું વાતાવરણ જ અમારી એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ."
રાહુલ ગાંધીના કાફલાને રોકવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી સરકાર પાર્ટી (કોંગ્રેસ)ના નેતાની મુલાકાતને રોકવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપે દાવો કર્યો હતો કે ગાંધીને હેલિકોપ્ટરથી જવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે તેમની મુલાકાતનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા પર અડગ હતા.