Helicopter Crash Video: ક્રેશ પહેલા હેલિકોપ્ટરનો વીડિયો બનાવનાર શખ્સના મોબાઈલની થશે ફોરેન્સિક તપાસ
Helicopter Crash Viral Video: તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
Helicopter Crash Viral Video: તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો હેલિકોપ્ટર દુર્ઘટના પહેલાનો છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
લગ્ન સમારોહના ફોટોગ્રાફ્સ અને વીડિયો લેનાર કોઈમ્બતુરનો રહેવાસી જૉ 8 ડિસેમ્બરના રોજ પહાડી નીલગિરી જિલ્લાના કટ્ટેરી વિસ્તારમાં તેના મિત્ર નઝાર અને તેના પરિવારના સભ્યોની તસવીરો લેવા ગયો હતો. ઉત્સુક્તાવશ તેણે પોતાના મોબાઈલ ફોનમાં આ અકસ્માતની થોડી મિનિટો પહેલા હેલિકોપ્ટરનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. ધુમ્મસમાં ગાયબ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જિલ્લા પોલીસે આ કેસમાં તપાસના ભાગરૂપે જૉનો મોબાઈલ ફોન કોઈમ્બતુરની ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોટોગ્રાફર અને કેટલાક અન્ય લોકો ગાઢ જંગલમાં શા માટે ગયા હતા તે જાણવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે, જે જંગલી પ્રાણીઓની અવરજવરને કારણે પ્રતિબંધિત વિસ્તાર છે.
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય રક્ષાકર્મીઓના મોત થયા હતા. સીડીએસ વેલિંગટનના ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના થઈ હતી. હેલીકોપ્ટર લેન્ડિંગથી થોડી મિનિટ પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર એક હેલીકોપ્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દુર્ઘટના પહેલાનો છે. તેમાં હેલીકોપ્ટર સારી રીતે ઉડાન ભરતું જોવા મળી રહ્યું છે. પછી અચાનક તે વાદળોમાં ગુમ થઈ જાય છે.
દરમિયાન, પોલીસ વિભાગે ચેન્નાઈ હવામાન વિભાગ પાસેથી અકસ્માતના દિવસના તાપમાન અને હવામાન સંબંધિત માહિતી માંગી છે. પોલીસ અકસ્માત અંગેની કડીઓ મેળવવા માટે પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે કુન્નુરના કટેરી-નંજપ્પનચત્રમ વિસ્તારમાં બુધવારે Mi-17VH હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જીવ બચી ગયો હતો, જેની બેંગ્લોરમાં સારવાર ચાલી રહી છે.