ચાર વર્ષ બાદ મુકુલ રોયની ઘરવાપસી, CM મમતા બેનર્જીની હાજરીમાં TMCમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયની આશરે ચાર વર્ષ બાદ ઘર વાપસી થઈ છે. નવેમ્બર 2017માં ટીએમસી છોડી ભાજપમાં સામેલ મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા છે. છેલ્લા ઘણા દિવસોથી મુકુલ રોયે ભાજપથી દૂરી બનાવી રાખી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયની આશરે ચાર વર્ષ બાદ ઘર વાપસી થઈ છે. નવેમ્બર 2017માં ટીએમસી છોડી ભાજપમાં સામેલ મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા છે. છેલ્લા ઘણા દિવસોથી મુકુલ રોયે ભાજપથી દૂરી બનાવી રાખી હતી.
તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી 2 જૂને મુકુલ રોયની બિમાર પત્નીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બાદમાં અટકળો ચાલી રહી હતી કે રાજકીય સમીકરણોમાં બદલાવ થઈ શકે છે.
મુકુલ રોય ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા એ પહેલા તૃણમૂલ કૉંગ્રેસમાં મહાસચિવ હતા. હાલમાં જ અભિષેક બેનર્જીને મમતા બેનર્જીએ મોટી જવાબદારી સોંપતા મહાસચિવ બનાવ્યા છે.
મુકુલ રોયે ટીએમસીમાં સામેલ થવા દરમિયાન કહ્યું ઘરમાં આવીને સારૂ લાગી રહ્યું છે. બંગાળ મમતા બેનર્જીનું છે અને રહેશે. હુ ભાજપમાં નહોતો રહી શકતો.
મમતા બેનર્જીએ કહ્યું કે મને ખુશી છે કે મુકલુ ઘરે પરત ફર્યા છે. ભાજપમાં ગયેલા ઘણા નેતાઓ પરત આવવા માંગે છે. અમે ક્યારેય કોઈની પાર્ટી નથી તોડી. અમે એજન્સીનો ઉપયોગ નથી કર્યો. જે લોકો આવવા માંગે છે તેઓ પાર્ટીમાં આવી રહ્યા છે. માત્ર ઈમાનદાર નેતાઓ માટે ટીએમસીમાં જગ્યા છે.
મુકુલ રોયને ભાજપે કૃષ્ણનગર ઉત્તર સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે TMCના ઉમેદવાર કૌશાની મુખર્જીને 35 હજારથી વધુ મતથી હરાવ્યા હતા. મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોયને પણ ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. હવે પિતા-પુત્ર બંને જ TMCમાં સામેલ થયા છે.
મુકુલ રોય અને તેમના પુત્રને TMCમાં સામેલ થશે એવી શક્યતા ચૂંટણીનાં પરિણામો બાદથી જ લગાડવામાં આવતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પાર્ટીની બેઠકમાં પણ સામેલ થતા ન હતા. પાર્ટીએ કારણ આપ્યું હતું કે તેમની પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ બેઠકમાં નથી આવતા. તો તેમના પુત્ર શુભ્રાંશુએ પણ થોડા દિવસ પહેલાં જ પોતાની ફેસબુક પોસ્ટથી ભાજપ પર નિશાન સાધ્યું હતું.
મુકુલ રોયના કારણે ભાજપે 2018માં થયેલી પંચાયત ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. એ બાદ લોકસભામાં પાર્ટીએ 18 સીટ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આની પાછળ મુકુલ રોયનો મોટો રોલ રહ્યો છે. TMCમાં તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી તેમણે પડદા પાછળ રહીને જ ચૂંટણી રણનીતિ તૈયાર કરી હતી. દીદી સાથે તેઓ શરૂઆતથી જ હતા.