2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, તમામ 12 આરોપીઓ નિર્દોષ જાહેર
બોમ્બે હાઈકોર્ટે 11 જૂલાઈ 2006ના રોજ થયેલા ભયાનક મુંબઈ લોકલ ટ્રેન વિસ્ફોટના કેસમાં સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો

બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને 2006માં મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ 'વિશ્વસનીય અને નક્કર પુરાવા' સાથે પોતાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. આ નિર્ણય એ કેસને સંપૂર્ણપણે ઉલટાવે છે જેમાં નીચલી અદાલતે બધાને દોષિત ઠેરવ્યા હતા.
July 2006 Mumbai train blasts: Bombay HC acquits all 12 accused; says prosecution utterly failed to prove case against them
— Press Trust of India (@PTI_News) July 21, 2025
2006 Mumbai local train blasts case | Bombay High Court acquits all 12 people, declaring them innocent
— ANI (@ANI) July 21, 2025
બોમ્બે હાઈકોર્ટે 11 જૂલાઈ 2006ના રોજ થયેલા ભયાનક મુંબઈ લોકલ ટ્રેન વિસ્ફોટના કેસમાં સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા 12 આરોપીઓમાંથી 11ને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયું હતું. 19 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આ ચુકાદો આવ્યો છે.
હાઈકોર્ટની સ્પેશ્યલ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે 'કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નહોતા' અને 'ઘણા સાક્ષીઓની જુબાની શંકાના દાયરામાં હતી'. કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે આરોપીઓની બળજબરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે કાયદેસર રીતે માન્ય નથી.
જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ.જી. ચાંડકની ડિવિઝન બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 12 આરોપીઓને નીચલી અદાલત દ્વારા અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા હતા જેમાંથી 5ને મૃત્યુદંડ અને 7ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન 11 દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસની અંતિમ સુનાવણી આ વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઈ હતી ત્યારબાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. દોષિતોએ યરવડા, નાસિક, અમરાવતી અને નાગપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજરી નોંધાવી હતી.
નોંધનીય છે કે 2006માં થયેલા આ ભયાનક બોમ્બ વિસ્ફોટમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં સાત સ્થળોએ વિસ્ફોટ થયા હતા, જેમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં 2015માં એક ખાસ કોર્ટે કુલ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 5 ને મૃત્યુદંડની સજા અને 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી તેમાં મોહમ્મદ ફૈઝલ શેખ, એહતશામ સિદ્દીકી, નાવેદ હુસૈન ખાન, આસિફ ખાન અને કમલ અંસારીનો સમાવેશ થાય છે. કમલ અંસારી નામના આરોપીનું 2022માં કોવિડ-19ને કારણે જેલમાં મૃત્યુ થયું હતું.





















