National Herald Case: ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપી સોનિયા ગાંધીએ માંગ્યો વધુ સમય, ED જાહેર કરશે નવું સમન્સ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં 23 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર રહી શકશે નહીં. સૂત્રોએ દાવો કર્યો હતો કે પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે હાલમાં જ હોસ્પિટલથી પરત આવ્યા છે
National Herald Case: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં 23 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર રહી શકશે નહીં. આ મામલે ED હેડક્વાર્ટરને સોનિયા ગાંધીનો પત્ર મળ્યો છે. ટૂંક સમયમાં ED આ મામલામાં નવું સમન્સ જાહેર કરી શકે છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ED હેડક્વાર્ટરને સોનિયા ગાંધીનો એક પત્ર મળ્યો છે. જેમાં તેમની તબિયતનું કારણ આપીને 23મી જૂને ED હેડક્વાર્ટરમાં હાજર થવામાંથી મુક્તિ માંગવામાં આવી છે.
Enforcement Directorate has accepted Congress's interim President Sonia Gandhi's written request seeking deferment of summons for today in the National Herald case. The agency is yet to decide the next date for fresh summons to her: Sources pic.twitter.com/lpvy0wN32f
— ANI (@ANI) June 22, 2022
સૂત્રોએ દાવો કર્યો હતો કે પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે હાલમાં જ હોસ્પિટલથી પરત આવ્યા છે અને ડોક્ટરે તેને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે. તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હેડક્વાર્ટરમાં હાજર રહી શકતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હેડક્વાર્ટરે સોનિયા ગાંધીના આ પત્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે સોનિયા ગાંધીને પૂછપરછ માટે ક્યારે બોલાવવામાં આવે તે અંગે ED ટૂંક સમયમાં નિર્ણય લેશે અને તેમને નવેસરથી સમન્સ જાહેર કરશે.
પહેલેથી જ નોટિસ આપી છે
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને આપવામાં આવેલી આ બીજી નોટિસ હતી જેમાં તેઓ સ્વાસ્થ્યના કારણોસર હાજર ન થઈ શક્યા. આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધીના પુત્ર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાકથી વધુ પૂછપરછ કરી છે. સૂત્રોનો દાવો છે કે આ દરમિયાન તેમને લગભગ 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં રાહુલ ગાંધીના નિવેદનોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને આ મૂલ્યાંકન બાદ તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
શું છે આરોપ?
આ કેસમાં આરોપ છે કે સોનિયા ગાંધી અને તેમના સહયોગીઓએ એસોસિયેટ જર્નલ લિમિટેડ (AJL)ને ટેકઓવર કરવા માટે યંગ ઈન્ડિયન નામની કંપની બનાવી હતી અને શેલ કંપનીઓ દ્વારા આ કંપનીમાં લોન લેવામાં આવી હતી. આરોપ છે કે કોંગ્રેસે એસોસિએટ જનરલ લિમિટેડને 90 કરોડ રૂપિયાની કથિત લોન આપી હતી. કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયને આ લોન આપવામાં આવી હતી અને તેના આધારે એસોસિએટ જર્નલ લિમિટેડના મોટા ભાગના શેર સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પાસે ગયા હતા. આરોપ છે કે 90 કરોડ રૂપિયાની લોનના બદલામાં યંગ ઈન્ડિયને કોંગ્રેસને માત્ર 50 લાખ રૂપિયા આપ્યા હતા. હાલમાં આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ ચાલી રહી છે.