કોરોનાની બીજી લહેરમાં રાહતના સમાચાર, દેશના આ 18 રાજ્યોમાં કરોનાના કેસ અને મોતમાં ઘટાડો
કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસ અને મોચના આંકડાઓમાં ઘટાડાનો પ્રારંભિક ટ્રેન્ડ દેશ માટે રાહતજનક છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરમાં હવે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ૧૮ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ અને મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અન્ય ૧૬ રાજ્યોમાં કોરોનાના કેસ અને મોત હજી પણ વધી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં લગભગ ૧૪ દિવસ પછી કોરોનાના દૈનિક કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા કેસ ઘટીને ૩.૨૫ લાખ થયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા ૨.૩૩ કરોડને પાર થઈ હતી. ભારતમાં ગઈકાલે કોરોનાના વધુ ૩,૬૭૮ દર્દીના મોત થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨.૫૩ લાખ થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં પણ ૩૦ હજાર જેટલો ઘટાડો આવ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
કુલ મોત - 2 લાખ 49 હજાર 992
દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસ અને મોચના આંકડાઓમાં ઘટાડાનો પ્રારંભિક ટ્રેન્ડ દેશ માટે રાહતજનક છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, ગુજરાત અને તેલંગાણા સહિત ૧૮ રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.
જોકે, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ત્રિપુરા જેવા ૧૬ રાજ્યોમાં હજી પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશભરમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧૫થી ૨૧ એપ્રિલે ૭૩થી વધીને ૨૯ એપ્રિલથી ૫ મે વચ્ચે ૧૮૨ થયો હતો.
છેલ્લા બે સપ્તાહમાં પૂણે, નાગપુર, પાલઘર અને નાસિક, લખનઉ, વારાણસી, કાનપુર નગર, ભોપાલ ગ્વારિયર, પટણા, રાંચી, રાયપુર સહિતના શહેરોમાં કોરોનાના કેસમાં ઘટાડો સતત ચાલુ રહ્યો છે.
દરમિયાન તેલંગાણામાં કોરોનાના કેસ વધવાને પગલે સરકારે આવતીકાલથી ૧૦ દિવસનું લૉકડાઉન લાગુ કર્યું છે. નાગાલેન્ડે પણ ૧૪ મેથી ૭ દિવસનું લોકડાઉન લંબાવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા માટે મુંબઈ અને પૂણેના મોડેલને અનુસરવું જોઈએ.