રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઓલપાડમાં વીર મિલ્ક પ્રોડક્ટ્સ અને આર. કે. એન્ટરપ્રાઇઝના કોભાંડનો પર્દાફાશ, ૨૫ ટનથી વધુ ભેળસેળયુક્ત જથ્થો જપ્ત, કડક કાર્યવાહીની ખાતરી.

Surat FDA ghee seizure: સુરત ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ એક મોટી કાર્યવાહી કરી છે. ઓલપાડમાં મે. વીર મિલ્ક પ્રોડક્ટ્સ અને મે. આર. કે. એન્ટરપ્રાઇઝ દ્વારા ચાલતા ભેળસેળયુક્ત ઘીના કોભાંડનો પર્દાફાશ થયો છે. તંત્રએ રૂ. ૬૯ લાખનું ૨૫ ટનથી વધુ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરત કચેરી દ્વારા ઓલપાડના માસ્મા ખાતે આવેલી મે. વીર મિલ્ક પ્રોડક્ટ્સ અને મે. આર. કે. એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ભેળસેળયુક્ત ઘીનો ૭.૪ ટન જથ્થો અને એડલ્ટ્રન્ટ (વેજ ફેટ, ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ અને ઘીના એસેન્સ)નો અંદાજીત ૧૭.૫ ટન એમ કુલ ૨૫ ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે કુલ ૫ નમૂના લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને પેઢીઓમાં ઘીની બનાવટમાં ઘીના એસેન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડનો ઉપયોગ થતો હતો. આ કેમિકલ્સનો ઉપયોગ એટલા માટે કરવામાં આવતો હતો જેથી લેબોરેટરી ટેસ્ટિંગમાં ભેળસેળ પકડાય નહીં. મે. આર. કે. એન્ટરપ્રાઈઝના માલિક રાકેશ ઈશ્વરભાઈ ભરતીયા અને મે. વીર મિલ્ક પ્રોડક્ટ્સના માલિક ભુપેશ ઈશ્વરભાઈ ભરતીયા બંને ભાઈઓ છે અને બંને પેઢીઓ એકબીજા સાથે સંકળાયેલી છે. વેજ ફેટ મલેશિયાથી આયાત કરવામાં આવતું હતું.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનરશ્રી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે અને ભેળસેળયુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તા. ૧૧-૦૧-૨૦૨૫ના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર (પોલીસ વિભાગ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી, જેનાથી ભેળસેળયુક્ત ઘી બનાવી જાહેર જનતાને વેચાતું અટકાવવામાં સફળતા મળી છે. જપ્ત કરવામાં આવેલ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો....
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
