રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
ડેરીઓમાંથી લીધેલ ઘીના નમૂનામાં વેજીટેબલ ફેટ અને તીલ ઓઈલની હાજરી, SOG દ્વારા પકડાયેલ પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ, ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર.

- રાજકોટ શહેરમાં દૂધની બનાવટોમાં ભેળસેળ.
- ડેરીઓમાંથી લીધેલા નમૂના ફેઈલ.
- ઘીમાં વેજીટેબલ ફેટ અને તીલ ઓઈલની હાજરી.
- પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ.
- ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર.
- ડેરી સંચાલકો સામે એજ્યુડીકેશન કાર્યવાહી.
Adulterated ghee and paneer seized from Rajkot: રાજકોટ શહેરમાં દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના ફેઈલ ગયા છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. વાણીયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીઓમાંથી લેવામાં આવેલા ઘીના નમૂના ત્રણ મહિના પહેલા લેવામાં આવ્યા હતા, જે હવે ફેઈલ જાહેર થયા છે.
વાણીયાવાડી વિસ્તારમાં આવેલી સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મ અને કૃષ્ણનગર વિસ્તારમાંથી વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી લીધેલ ઘીના નમૂના પરીક્ષણમાં ફેઈલ સાબિત થયા છે. આ નમૂનાઓમાં વેજીટેબલ ફેટ અને તીલ ઓઈલની હાજરી મળી આવી છે. ઘીના નમૂના ફેઈલ થતાં હવે એજ્યુડીકેશન કાર્યવાહી કરવામાં આવશે, તેમ આરોગ્ય વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર હાર્દિક મેતાએ જણાવ્યું હતું. ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, બે દિવસ પહેલાં SOG દ્વારા રેડ કરીને પનીરનો શંકાસ્પદ જથ્થો પકડવામાં આવ્યો હતો. આ પનીરમાં પણ વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું અને દૂધ ફાડવા માટે એસિટિક એસિડનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે. આ પનીરના નમૂના વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. એસિટિક એસિડના ઉપયોગથી દૂધ ફાડીને પનીર બનાવવામાં આવતું હોવાથી તે ખાવાથી આંતરડાને લગતી બીમારીઓ થઈ શકે છે.
મીડિયા સાથેની વાતચીતમાં સીતારામ વિજય ડેરીના માલિક આંબાભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ હવે બોર્ડ ઉતારી લેશે અને ઘી વેચવાનું બંધ કરી દેશે. જો કે, બે દિવસ પહેલાં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા, ત્યારે પણ ઘીનું વેચાણ ચાલુ હતું.
આ ઘટનાથી રાજકોટના લોકોમાં દૂધ અને દૂધની બનાવટોની ગુણવત્તા વિશે ચિંતા ફેલાઈ છે. ગ્રાહકોને આવી બનાવટો ખરીદતા પહેલા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો...
રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ₹૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરશે, ઓનલાઈન નોંધણી શરૂ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
