Bihar Politics: રાજ્યપાલને મળ્યા નીતિશ કુમાર પરંતુ રાજીનામું આપ્યું નથી,કેબિનેટ મંત્રીએ જણાવ્યું કારણ
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પછી 17 નવેમ્બર, સોમવારના રોજ, જનતા દળ (યુનાઇટેડ) ના નેતા નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત કરી.

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પછી 17 નવેમ્બર, સોમવારના રોજ, જનતા દળ (યુનાઇટેડ) ના નેતા નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સાથે મુલાકાત કરી. જોકે, તેમણે હજુ સુધી રાજીનામું આપ્યું નથી. રાજભવન જતા પહેલા નીતિશ કુમારે સરકારની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી. કેબિનેટ ભંગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠક પૂર્ણ થયા પછી તેઓ રાજભવન પહોંચ્યા હતા.
જેડીયુના નેતા વિજય કુમાર ચૌધરીએ આ સંદર્ભમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. કેબિનેટે 19 નવેમ્બરથી વર્તમાન વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી છે. મુખ્યમંત્રી દ્વારા આ વાત રાજ્યપાલને હમણાં જ જણાવવામાં આવી છે."
14 નવેમ્બરના રોજ જાહેર થયેલા બિહાર ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના એનડીએને જંગી બહુમતી મળી હતી. દરમિયાન, રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને અપેક્ષા કરતાં ઘણું ખરાબ પરિણામ મળ્યું છે.
બિહારના નવા મુખ્યમંત્રી કોણ હશે ?
આ દરમિયાન, હવે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સૂત્રો જણાવે છે કે ભાજપ વધારે બેઠકો જીતી રહ્યું હોવા છતાં નીતિશ કુમાર બિહારના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રો સૂચવે છે કે નીતિશ કુમાર 20 નવેમ્બરના રોજ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. તેમની સાથે 31 મંત્રીઓ પણ પદ અને ગુપ્તતાના શપથ લઈ શકે છે.
નવી સરકારની રચના અંગેનું ચિત્ર હવે વધુ સ્પષ્ટ થયું
બિહારમાં નવી સરકારની રચના અંગેનું ચિત્ર હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NDA ગઠબંધન દ્વારા કેબિનેટ ફોર્મ્યુલા લગભગ અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. ભાજપ અને જેડીયૂ બંનેમાંથી 13-13 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. જ્યારે એલજેપી (RP), એચએએમ અને આરએલએમએ પણ મંત્રી પદ મળશે.
NDAએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. ભાજપે 89 બેઠકો સાથે શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે JDUએ પણ 85 બેઠકો સાથે મજબૂત વાપસી કરી છે. નાના સાથી પક્ષો, LJP (R) એ 19 બેઠકો જીતી, HAM એ 5 બેઠકો જીતી અને RLM એ 4 બેઠકો જીતી, જેનાથી ગઠબંધન વધુ મજબૂત બન્યું.




















