US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa News 2026: વિદેશ જવાનું સપનું રોળાયું, વિઝા રિજેક્શન અને સ્લોટની અછતને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં; ડિસેમ્બર સુધીમાં 8,000 વિઝા રદ, H-1B ધારકો અને નોકરી શોધતા યુવાનો માટે પણ કપરા ચઢાણ.

US Visa News 2026: અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ (Higher Education) માટે જવા ઈચ્છતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ ભારતીય વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા ચોંકાવનારા આંકડાઓ મુજબ, યુએસ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની નોંધણી (Enrollment) માં સીધો 75% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે, જેની સીધી અસર હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી છે. શિક્ષણ સલાહકારોના મતે, આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ અમેરિકાની વિઝા નીતિમાં આવેલી સખ્તાઈ છે. વિઝા ઇન્ટરવ્યૂ માટે સ્લોટની ભારે અછત, લાંબી અને જટિલ સ્ક્રીનીંગ પ્રક્રિયા અને વિઝા રિજેક્શન (Visa Rejection) દરમાં થયેલો વધારો જવાબદાર છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ઓગસ્ટ અને ઓક્ટોબર મહિના દરમિયાન, જ્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકા જતા હોય છે, ત્યારે જ સંખ્યામાં 70% નો ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર એવા જ વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચી શક્યા જેમણે ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. આ ઉપરાંત, વિઝા ચકાસણી દરમિયાન વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા એક્ટિવિટી (Social Media Activity) ચેક કરવા જેવા નવા નિયમોએ ડરનો માહોલ ઉભો કર્યો છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓએ ટોચની યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું જ ટાળ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ડિસેમ્બર 2025 સુધીમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આશરે 8,000 જેટલા સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓને તો અચાનક ઈમેલ દ્વારા દેશ છોડી દેવાની સૂચનાઓ મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે પણ સ્થિતિ પડકારજનક બની છે. ખાસ કરીને IT પ્રોફેશનલ્સ માટે H-1B વિઝા (H-1B Visa) ના નિયમો અને ફી વધારાના પ્રસ્તાવોએ ચિંતા વધારી છે. નોંધનીય છે કે H-1B વિઝા ધારકોમાં 72% ભારતીયો છે. બીજી તરફ, યુએસ જોબ માર્કેટ (Job Market) માં ચાલી રહેલી મંદીને કારણે કંપનીઓએ નવી ભરતીઓ અટકાવી દીધી છે અને જોબ ઓફર્સ રદ કરી રહી છે. વર્ક પરમિટના નિયમોમાં ફેરફાર અને ઓટોમેટિક એક્સટેન્શન નાબૂદ થવાથી અનિશ્ચિતતા વધી છે. આ સંજોગોમાં ભારતીય દૂતાવાસોમાં મદદ માંગનારાઓની સંખ્યા વધી છે, અને વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા ભારતીયો હવે પોતાના ભવિષ્ય અંગે ફેરવિચારણા કરવા મજબૂર બન્યા છે.





















