No Confidence Motion: અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં આજથી ચર્ચા, રાહુલ ગાંધી કરી શકે છે શરૂઆત
No Confidence Motion: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ ફરી મળ્યા બાદ તેઓ વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરી શકે છે
No Confidence Motion: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર વિરુદ્ધ લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજથી ચર્ચા શરૂ થશે. ગુરુવારે ત્રણ દિવસ સુધી ચાલનારી ચર્ચાનો જવાબ પીએમ મોદી આપી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ ફરી મળ્યા બાદ તેઓ વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરી શકે છે. દરમિયાન, બુધવારે ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ મણિપુર મુદ્દે પ્રશ્નોના જવાબ આપી શકે છે.
નોંધનીય છે કે વર્તમાન કાર્યકાળમાં મોદી સરકાર વિરુદ્ધ આ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે. અગાઉ વર્ષ 2018માં મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં એક વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આજે બપોરે 12 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે, જે સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. બુધવારે પણ બપોરે 12 થી 7 વાગ્યા સુધી ચર્ચા થશે. પીએમ મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે ચર્ચાનો જવાબ આપે તેવી શક્યતા છે. ચર્ચા શરૂ કરવા માટે કોંગ્રેસના ગૌરવ ગોગોઈની નોટિસ સ્વીકારવામાં આવી છે. આ કારણે તે પ્રસ્તાવ રજૂ કરશે. પરંતુ જો તેઓ ઇચ્છે તો તેમના સ્થાને રાહુલ ગાંધીને ચર્ચા શરૂ કરવાની તક આપી શકે છે.
નોંધનીય છે કે 26 જુલાઈએ લોકસભાએ ભાજપની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ વિપક્ષી દળો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ અઠવાડિયે અવિશ્વાસની દરખાસ્ત સહિતના મહત્વના બિલોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ભાજપે તેના લોકસભા સાંસદોને વ્હિપ જાહેર કરીને 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેના (શિંદે) જૂથ તરફથી શ્રીકાંત શિંદે અને રાહુલ શેવાલે વક્તા હશે. ચિરાગ પાસવાન (LJP) અને અનુપ્રિયા પટેલ (અપના દળ) અન્ય મુખ્ય વક્તા બની શકે છે.
મળતી માહિતી મુજબ, બીજેપી તરફથી નિશિકાંત દુબે અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ ચર્ચા શરૂ કરશે. ભાજપ તરફથી લગભગ 20 સ્પીકર્સ હશે. જેમાં સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજવર્ધન સિંહ રાઠોડના નામ સામેલ છે.
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવો મુશ્કેલ
વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ આ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવો અશક્ય છે, કારણ કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પાસે પૂર્ણ બહુમતી છે. આંકડાઓ પર નજર કરીએ તો સંસદના નીચલા ગૃહ લોકસભામાં મોદી સરકાર બહુમતીમાં છે. તેમની પાસે 301 સાંસદ છે, જ્યારે NDA પાસે 333 સાંસદ છે. અહીં સમગ્ર વિપક્ષ પાસે કુલ 142 સાંસદો છે. આવી સ્થિતિમાં વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ જશે તે સ્પષ્ટ છે.