માસૂમ બાળકો સાથે ક્રૂર મજાક! ઓડિશાની શાળામાં સુતેલા 8 બાળકોની આંખમાં ફેવિક્વિક લગાવી દીધુ, જાણો પછી શું થયું
આદિવાસી સેવાશ્રમ શાળામાં સુતેલા 8 વિદ્યાર્થીઓની આંખો પર ગુંદર લગાવવામાં આવતા હડકંપ, પ્રશાસને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા.

Odisha school incident: ઓડિશાના કંધમાલ જિલ્લામાં આવેલી એક સેવાશ્રમ શાળામાંથી એક અત્યંત વિચિત્ર અને જોખમી ઘટના સામે આવી છે. મોડી રાત્રે સુતેલા 8 બાળકોની આંખ પર અજાણ્યા લોકો દ્વારા ફેવિકિક (Fevikwik accident in school) જેવો ગુંદર લગાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે સવારે તેમની આંખો અટકી ગઈ હતી. આ ગંભીર ઘટના બાદ તમામ બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા પ્રશાસને આ મામલે કડક પગલાં ભરતા શાળાના મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસના આદેશ આપ્યા છે.
શું બની ઘટના?
આ ગંભીર બનાવ ઓડિશા ના કંધમાલ જિલ્લાના ફિરિંગિયા બ્લોકમાં આવેલા સલાગુડા ગામની સેવાશ્રમ શાળામાં બન્યો હતો. આ સરકારી શાળામાં આદિવાસી અને દૂરના વિસ્તારોના બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. શુક્રવારે મોડી રાત્રે જ્યારે બધા વિદ્યાર્થીઓ સુતા હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તેમના જ 8 સહપાઠીઓની આંખો પર ગુંદર લગાવી દીધો. આ કૃત્યથી બાળકો સવારે ઉઠતાની સાથે જ ભયભીત થઈ ગયા, કારણ કે તેમની પોપચા એકબીજા સાથે ચોંટી ગઈ હતી. કેટલાક બાળકોની ચીસો સાંભળીને હોસ્ટેલ વોર્ડન અને અન્ય વિદ્યાર્થીઓ તરત જ જાગી ગયા હતા.
તાત્કાલિક સારવાર અને ડોક્ટરોની ચેતવણી
ઘટનાની જાણ થતાં જ ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા બાળકોને તરત જ ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં પ્રાથમિક સારવાર બાદ 7 બાળકોને વધુ સારવાર માટે ફુલબાની જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટરોએ જણાવ્યું કે સમયસર સારવાર મળવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ જો વિલંબ થયો હોત તો બાળકોની દૃષ્ટિને કાયમી નુકસાન થવાનો ભય હતો. હાલમાં, 7 બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક બાળકને રજા આપવામાં આવી છે.
વહીવટી પગલાં અને તપાસના આદેશ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધા છે. શાળાના મુખ્ય શિક્ષક મનોરંજન સાહુ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. કલ્યાણ અધિકારી પણ હોસ્પિટલ પહોંચ્યા અને બાળકો સાથે વાતચીત કરી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સુરક્ષામાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.




















