મોદી સરકારનો મોટો નિર્ણય! તમામ સરકારી ભરતીઓ માટે હવે એક જ પોર્ટલ, ઉમેદવારોને થશે આ ફાયદા
રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં સહમતિ, સમય અને મહેનતની થશે બચત, 13 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે પોર્ટલ.

India unified job portal: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. ભારત સરકાર ટૂંક સમયમાં તમામ સરકારી નોકરીઓ માટે એકીકૃત એપ્લિકેશન પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર્ટલ શરૂ થવાથી વિવિધ સરકારી વિભાગોમાં ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ બનશે અને ઉમેદવારોના સમય તેમજ મહેનતની બચત થશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યકક્ષાના કાર્મિક મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં લેવામાં આવ્યો છે. બેઠક બાદ મંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર તમામ સરકારી ભરતીઓ માટે એકીકૃત જોબ એપ્લિકેશન પોર્ટલ વિકસાવવા પર કામ કરી રહી છે. આ પોર્ટલની મદદથી સરકાર એવા લોકોને વધુ સુવિધાઓ આપવા માંગે છે જેઓ નોકરી માટે અલગ-અલગ પોર્ટલ પર માહિતી શોધતા રહે છે. આ પહેલથી નોકરી શોધનારા ઉમેદવારોની ઊર્જા અને સમયનો બચાવ થશે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)માં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ભરતી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આ માટે ટેક્નોલોજી અને નવીનતાઓને અપનાવવી સરકારની પ્રાથમિકતા છે.
આ અંગે કર્મચારી મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડૉ. જિતેન્દ્ર સિંહે વિભાગના અધિકારીઓને 'સિંગલ જોબ એપ્લિકેશન પોર્ટલ' શક્ય તેટલી વહેલી તકે વિકસાવવા માટે નિર્દેશ આપ્યો છે. તેમણે પીટીઆઈ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ યોજના પર કામ શરૂ થઈ ગયું છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી દેશના તમામ ભાગના ઉમેદવારોને તેનો લાભ મળી શકે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓની તમામ પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષાઓ લેવાનો છે. તેમણે ભરતી પ્રક્રિયાના સમયગાળા વિશે વાત કરતા કહ્યું કે પહેલા આ પ્રક્રિયામાં લગભગ 15 મહિનાનો સમય લાગતો હતો, જેને હવે ઘટાડીને 8 મહિના કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તેને વધુ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મંત્રીએ અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં 'સિંગલ જોબ એપ્લિકેશન પોર્ટલ' વિકસાવવા માટે આદેશ આપ્યો છે, જેથી ઉમેદવારોને વિવિધ પ્લેટફોર્મ પર અરજી કરવાની જરૂર ન પડે. આ પોર્ટલ સરકારી નોકરીઓ માટે અરજી કરવાની પ્રક્રિયાને વધુ સુગમ અને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
