અરે બાપ રે! માર્ચમાં જ એવો તડકો પડ્યો કે 125 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો! ભારતના આ રાજ્યોમાં સમય પહેલા જ હીટ વેવ શરૂ
ઓડિશા, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં મે-જૂન જેવી ગરમી, માર્ચના અંત સુધીમાં દિલ્હીમાં પણ આકાશમાંથી વરસશે આગ.

India heatwave 2025: આ વર્ષે ભારતમાં લોકો સમય પહેલા જ આકરી ગરમીનો (Heatwave) સામનો કરી રહ્યા છે. ઓડિશા અને રાજસ્થાન સહિત દેશના ઘણા વિસ્તારોમાં માર્ચ મહિનામાં જ મે અને જૂન જેવી ભયંકર ગરમી (Extreme Heatwave) શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગરમી ઘણા રેકોર્ડ તોડી શકે છે.
ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તો મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, ઓડિશા, વિદર્ભ અને ગોવામાં પણ ઘણી જગ્યાએ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જે હીટ વેવની સ્થિતિ દર્શાવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લા 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ ગોવા અને મહારાષ્ટ્રમાં પ્રથમ હીટ વેવ (લૂ) નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ, 16 માર્ચ, 2025 ના રોજ ઓડિશામાં દેશનું સૌથી વધુ 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સિવાય ઝારસુગુડામાં 42 ડિગ્રી સેલ્સિયસ અને ઓડિશાના બોલાંગીરમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગયા વર્ષે મે મહિનામાં ઓડિશામાં આવી ગરમી જોવા મળી હતી.
હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ, આ વર્ષે માર્ચ મહિનાના અંત સુધીમાં દિલ્હીનું તાપમાન પણ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આપણે પહેલા કરતા વધુ તીવ્ર ગરમીની સ્થિતિનો અનુભવ કરી શકીએ છીએ. IMD અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન તેલંગાણા, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતા વધુ હતું. આ સમયગાળા દરમિયાન, 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાત્રે ઓછામાં ઓછું એક વખત તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. IMD ના આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 22.04 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.34 ડિગ્રી વધારે હતું. આ તમામ પરિબળો સૂચવે છે કે આ વર્ષે દેશમાં ગરમીનું પ્રમાણ ઘણું વધારે રહેવાની સંભાવના છે અને લોકોએ તેના માટે તૈયાર રહેવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
