રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે: પીએમ મોદી
સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી PM મોદીએ 'e VITARA' ને લીલી ઝંડી આપી: 'મેડ ઇન ઇન્ડિયા' ઈ-વ્હીકલ્સ વિશ્વના 100 થી વધુ દેશોમાં નિકાસ થશે.

PM Modi flags off e-VITARA: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ નજીક સુઝુકીના હાંસલપુર પ્લાન્ટ ખાતેથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) 'e VITARA' ને પ્રસ્થાન કરાવ્યું. આ સાથે, તેમણે લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના ઉત્પાદનનો પણ શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે PM મોદીએ ભારત-જાપાનની મિત્રતાને 'મેડ ફોર ઇચ અધર' ગણાવી અને જણાવ્યું કે આ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને મજબૂત કરશે. આ પ્લાન્ટ 80% બેટરી ભારતમાં જ બનાવશે, જે સ્વચ્છ ઊર્જા અને પરિવહન ક્ષેત્રે ભારતને વૈશ્વિક હબ બનાવશે.
PM નરેન્દ્ર મોદીએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટ ખાતેથી ઇલેક્ટ્રિક વ્હીકલ 'e VITARA' અને લિથિયમ આયન બેટરીના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે 'વોકલ ફોર લોકલ'ના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, ભલે રોકાણ કોઈ પણ દેશનું હોય, જો ઉત્પાદન ભારતીય પરસેવાથી ભારતની જમીન પર થાય, તો તે સ્વદેશી જ છે. આ પહેલથી ભારતમાં બનેલી ઇલેક્ટ્રિક કારોની 100 થી વધુ દેશોમાં નિકાસ થશે, જે દેશ માટે ગૌરવની બાબત છે. આ પ્રોજેક્ટ 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને આગળ ધપાવશે અને સ્વચ્છ ગતિશીલતા (ક્લીન મોબિલિટી) ના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવશે.
વડાપ્રધાન મોદીનું સંબોધન
PM મોદીએ ભારત-જાપાનની મિત્રતાને 'મેડ ફોર ઇચ અધર' ગણાવી. તેમણે કહ્યું કે હવેથી 100 થી વધુ દેશોમાં ચાલતી ઈલેક્ટ્રિક કારો પર 'મેડ ઇન ઇન્ડિયા' લખેલું હશે, જે દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે. તેમણે 'સ્વદેશી'ની નવી વ્યાખ્યા આપતા કહ્યું કે, રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, જો તેમાં ભારતીય શ્રમ અને પરસેવો હોય અને તે ભારતમાં જ બનેલું હોય, તો તે ઉત્પાદન સંપૂર્ણપણે સ્વદેશી જ છે.
મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતા
PM એ જણાવ્યું કે, આજથી શરૂ થયેલું TDSG લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટ 80% બેટરીનું ઉત્પાદન ભારતમાં જ સુનિશ્ચિત કરશે, જે આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે ભારત પાસે 'ડેમોક્રેસી', 'ડેમોગ્રાફી' અને 'સ્કિલ્ડ વર્કફોર્સ' નો ત્રિવિધ લાભ છે, જે કોઈપણ રોકાણકાર દેશ માટે 'વિન-વિન સિચ્યુએશન' ઊભી કરે છે.
ગુજરાતની ભૂમિકા અને ભવિષ્ય
વડાપ્રધાન મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન 2012 માં સુઝુકીને જમીન ફાળવીને આત્મનિર્ભર ભારતના વિઝનના બીજ રોપ્યા હતા, અને આજે આ પ્લાન્ટ તે વિઝનને આગળ ધપાવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સાણંદ, માંડલ અને બેચરાજી વિસ્તારમાં ઓટોમોબાઇલ સેક્ટરની સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે. આ ઓટોમોબાઈલ ક્લસ્ટર્સ ગુજરાતને વિશ્વનું ઓટોમોટિવ હબ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
સરકારી નીતિઓ અને ઔદ્યોગિક વિકાસ
PM મોદીએ જણાવ્યું કે, છેલ્લા દસકામાં કેન્દ્ર સરકારે બનાવેલી નીતિઓ ઉદ્યોગોના વિકાસમાં અત્યંત કારગત નીવડી છે. 2014 થી શરૂ થયેલા 'મેક ઇન ઇન્ડિયા' કન્સેપ્ટથી મોબાઈલ ફોનનું ઉત્પાદન 2700% અને ઇલેક્ટ્રોનિક્સનું 500% વધ્યું છે. આ નીતિઓએ રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે 2047 સુધીમાં 'વિકસિત ભારત' ના નિર્માણ માટે તમામ રાજ્યોએ સુધારાઓ, સારા શાસન અને વિકાસ માટે સ્પર્ધા કરવી જોઈએ.
PM મોદીએ સ્વચ્છ ઊર્જા અને પરિવહનને ભવિષ્ય ગણાવ્યું. તેમણે સિંગાપોર મુલાકાતનો ઉલ્લેખ કર્યો જ્યાં તેમણે જૂની એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઈ-વ્હીકલમાં ફેરવવાની વાત કરી હતી. સુઝુકીએ માત્ર છ મહિનામાં તેનો પ્રોટોટાઇપ તૈયાર કરીને આ પડકાર ઝીલ્યો હતો, જે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસો ભારતને વૈશ્વિક સ્તરે એક વિશ્વાસપાત્ર ગંતવ્ય તરીકે સ્થાપિત કરશે.
જાપાનના રાજદૂત કેઇચી ઓનોએ પણ ગુજરાતીમાં સંબોધન કરીને બંને દેશોના ઔદ્યોગિક સંબંધોની પ્રશંસા કરી અને આ પ્રોજેક્ટને શાંતિ અને સમૃદ્ધિનો વાહક ગણાવ્યો. આ પ્રસંગે મારુતિ સુઝુકીના ચેરમેન આર.સી. ભાર્ગવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.





















