મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ભયાનક સ્થિતિ, કોંકણ રેલ સેવા પ્રભાવિત થતા 6 હજાર મુસાફરો ફસાયા, PM મોદીએ CM ઉદ્ધવ સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સંકટ ઉભુ થયું છે. ગંભીર પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ગુરુવારે રાત્રે વાત કરી હતી.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સંકટ ઉભુ થયું છે. ગંભીર પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ગુરુવારે રાત્રે વાત કરી અને રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા કેંદ્ર સરકાર તરફથી સંભવ દરેક મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવવાથી કોંકણ રેલવે ટ્રેક પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે અને આશરે છ હજાર મુસાફરો ફસાયા છે. ભારે વરસાદના કારણે મુંબઈ સહિત રાજ્યના ઘણા અન્ય ભાગમાં રેલ અને રોડ વ્યવહાર પ્રભાવિત થયો છે.
રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ વરસતા તંત્ર એલર્ટ પર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 22 જુલાઇએ રત્નાગિરી અને રાયગઢ જિલ્લામાં પૂરની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. 24 કલાક સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે કોંકણ કાંઠા પર આગામી ત્રણ દિવસ માટે રેડ અને ઓરેંજ એલર્ટ જારી કર્યું છે. મુખ્ય પ્રધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી અને અન્ય સંબંધિત વિભાગોને સજાગ રહેવાની અને સાવચેતીના પગલા ભરવા નિર્દેશ આપ્યા છે.
મહારાષ્ટ્રમાં હજારો લોકોને એનડીઆરએફની મદદથી કાઢવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં હજુ લોકો ફસાયેલા છે. મહારાષ્ટ્રના કોંકણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંકણના રત્નાગિરી જિલ્લામાં વરસાદ થોભવાનું નામ લઇ રહ્યો નથી. ચિપલૂન અને કોલ્હાપૂરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ચિપલૂનમાં વશિષ્ઠી નદી અને શિવ નદીમાં પૂરની સ્થિતિ બની છે. વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે જેના કારણે લોકોને વ્યાપક નુકસાન થયું છે. મુંબઇ-ગોવા અને ચિપલૂન-કરાડ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કોંકણ રેલવે પણ ઠપ છે.
ચિપલૂન શહેરમાં વરસાદનું પાણી ભરાઇ ચૂક્યું છે. કેટલાક વિસ્તારોમાં એક માળ સુધી પાણી ભરાઇ ચૂક્યા છે. બાદમાં પૂણેથી એનડીઆરએફની બે ટીમો ચિપલૂન રવાના કરાઇ હતી. કોસ્ટગાર્ડ અને સ્થાનિક પ્રશાસને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.
બોરીવલી ઈસ્ટમાં વરસાદી પાણીના જોરદાર વહેણમાં રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો પણ તણાયા હતા. હવામાન વિભાગે પણ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કર્યું છે. આજે મુંબઈ, રાયગઢ, પૂણે અને કોલ્હાપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ડ જાહેર કર્યું છે.
ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સરેરાશ વરસાદ 2,260.4 મીમીની આસપાસ હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર એક મહિનામાં શહેરમાં 1,919.8 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે કુલ વરસાદના 85 ટકા જેટલો છે.ભારતીય હવામાન વિભાગની માહિતીના આધારે 1981 થી 2010 સુધી જુલાઈમાં મુંબઈમાં સામાન્ય રીતે 840.7 મીમી વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 958.4 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.