(Source: ECI/ABP News/ABP Majha)
DELHI : દિલ્લીના નવા 'બોસ' બનશે પ્રફુલ્લ પટેલ? કેજરીવાલે ટ્વીટ કરી ઉઠાવ્યાં સવાલ
પ્રફુલ્લ પટેલની ડિસેમ્બર 2020 માં લક્ષદ્વીપના પ્રશાસક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પણ છે.
DELHI : શું લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલની દિલ્હી બદલી કરવામાં આવી રહી છે? શું તેમને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવશે? આ સવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો છે. શનિવારે બપોરે એક ટ્વિટમાં કેજરીવાલે પૂછ્યું કે શું લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના આગામી ઉપરાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા છે?
Is Mr Praful Patel, Administrator of Lakshdweep, being made the next LG of Delhi?
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 12, 2022
કોણ છે પ્રફુલ્લ પટેલ?
પ્રફુલ્લ પટેલની ડિસેમ્બર 2020 માં લક્ષદ્વીપના પ્રશાસક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પણ છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પ્રફુલ્લ પટેલ ગુજરાતના ગૃહમંત્રી હતા. ગયા વર્ષે લક્ષદ્વીપમાં પ્રફુલ્લ પટેલના ઘણા નિર્ણયોનો ઘણો વિરોધ થયો હતો. તેમને પરત બોલાવવાની માંગ પણ કરવામાં આવી હતી. હાલમાં અનિલ બૈજલ દિલ્હીમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે. 1969 બેચના બૈજલને ડિસેમ્બર 2016માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની પ્રફુલ્લ પટેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહેસાણા જિલ્લામાંથી આવે છે.જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પ્રફુલ્લ પટેલને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020માં આ બે કેન્દ્રશાસિત પ્રદેશોને એક UT માં મર્જ કરવામાં આવ્યા હતા. પ્રફુલ્લ પટેલ તેના પ્રબંધક રહ્યા. ડિસેમ્બર 2020માં પટેલને લક્ષદ્વીપની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
લક્ષદ્વીપમાં થયો હતો વિરોધ
પ્રફુલ્લ ખોડાભાઈ પટેલે મુસ્લિમ બહુમતી ધરાવતા લક્ષદ્વીપમાં ગયા વર્ષે લાવેલા કેટલાક ડ્રાફ્ટ નિયમોને કારણે હોબાળો મચી ગયો હતો. વિરોધી પક્ષોના આક્ષેપો હતા કે તેઓએ દારૂના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો, પશુ સંરક્ષણને ટાંકીને બીફ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો.પ્રફુલ્લ પટેલનો બચાવ કરતા ભાજપે દાવો કર્યો હતો કે આ વિરોધ રાજ્યમાં ભ્રષ્ટાચારનો અંત લાવવાના પ્રયાસોનું પરિણામ છે.