Presidential Election 2022: BJPએ દ્રોપદી મુર્મૂને બનાવ્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
BJPએ દ્રોપદી મુર્મૂને બનાવ્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર વિચાર મંથન કરવા માટે ભાજપની સંસદીય બોર્ડની બેઠક પાર્ટી મુખ્યાલયમાં મળી હતી.
આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજની સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યા કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે બેઠકમાં લગભગ 20 નામો પર ચર્ચા થઈ હતી. અમે વિપક્ષી દળો સાથે પણ સલાહ લેવાનો પ્રયાસ કર્યો.
વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આજે વિરોધ પક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે. જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દિપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (DMK), પ્રફુલ પટેલ, યેચુરી, એનકે પ્રેમચંદ્રન (RSP), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફરન્સ), અભિષેક બેનર્જી અને રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
કોણ છે યશવંત સિન્હા
યશવંત સિન્હા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા, જેઓ હાલમાં બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા. આજે સવારે જ તેમણે તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
યશવંત સિન્હા 1960 માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યા પછી, તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું.