ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડરમાં નવો વળાંક આવ્યો હતો

ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડરમાં નવો વળાંક આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં દીકરા અને પત્નીની હત્યા બાદ એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી હરેશ વાઘેલાએ પોતાના પાંચ વર્ષના દીકરાની હત્યા કરી અને પત્નીને ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. પત્ની અને દીકરાની હત્યા કર્યા બાદ આરોપી હરેશે હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. શેરબજારમાં દેવું થતાં આ પગલું ભર્યું હોવાનો આરોપીએ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
પતિ-પત્નીના ઝઘડામાં હત્યા કરાયાની પોલીસને આશંકા છે. સૂત્રોની માહિતી પ્રમાણે પત્ની અને પુત્રની હત્યા ગુરુવારે સવારના અરસામાં કરવામાં આવી હતી. પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ હત્યારા પતિએ પોતાના કપડાં બદલ્યા હતા અને પોલીસ પહોંચે તે પહેલા પોતાની જ નસ કાપી હતી. જો કે હાથની નસ કાપી તે ઘાવ પણ જીવલેણ નથી. જેથી શેરબજારમાં દેવું થયાની સુસાઈડ નોટ ઉપર પોલીસને શંકા છે. સાથે જ સહાનુભૂતિ મેળવવા અને બચવા માટે આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા છે.
આ ઘટનાની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. પતિની હાલત ગંભીર છે અને તે સિવિલમાં સારવાર હેઠળ છે. ડબલ મર્ડર કેસમાં શ્રીરંગ નેનો સિટી-1માં રહેતા નયનભાઈ નામના પાડોશીએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હરેશભાઈ તેમના પત્ની અને પુત્ર જમીન પર પડ્યા હતા. જમીન પર લોહી પણ ઘણું દેખાયું હતું. ઘટનાની ગંભીરતા સમજતા હું ઘરમાં ગયો ન હતો. સોસાયટીના લોકોને બોલાવી પોલીસને જાણ કરી હતી. હરેશભાઈ તેના પરિવાર સાથે દોઢ વર્ષથી અહીં રહે છે.પતિ - પત્નીમાં ક્યારેય કલેશ કે ઝઘડો થયાનું મારી જાણમાં નથી.
ઈન્ફોસિટી પોલીસ અને એફએસએલની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ હરેશભાઇએ તેમની પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. માસૂમ દીકરાનું માથું ક્રૂરતાપૂર્વક તિજોરી સાથે અથડાવી તેને મારી નાખવામાં આવ્યો હતો. હરેશભાઈને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આર્થિક તંગી અને શેરબજારમાં દેવું થઈ જવાથી હરેશભાઈએ આ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.




















