આર્યન ખાન સાથે સેલ્ફી લેનાર વ્યક્તિ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર, જાણો શું છે આરોપ
કેપી ગોસાવી એ જ વ્યક્તિ છે જેની સેલ્ફી આર્યન ખાનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
પુણે: 2018 ના છેતરપિંડીના કેસમાં ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં NCB ના સાક્ષી કે.પી.ગોસાવી વિરુદ્ધ પુણે પોલીસે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. લુકઆઉટ સર્ક્યુલર એક નોટિસ છે જે લોકોને દેશ છોડતા અટકાવે છે.
પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ બુધવારે જણાવ્યું હતું કે, અમે ફરસાખાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં 2018 ના ફરાર કેપી ગોસાવી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડી છે.
કેપી ગોસાવી એ જ વ્યક્તિ છે જેની સેલ્ફી આર્યન ખાનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બાદમાં NCB એ સ્પષ્ટતા કરી કે તે અમારા વિભાગના અધિકારી નથી. એનસીપીના નેતા નવાબ મલિકે પણ કેપી ગોસાવી અંગે એનસીબી પર આક્ષેપો કર્યા હતા.
ક્રુઝ શિપમાંથી કથિત રીતે ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં ગોસાવી નવ સ્વતંત્ર સાક્ષીઓમાંના એક છે. આ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોસાવી સામે મલેશિયામાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી
છેલ્લા 7 દિવસોથી મુંબઈની આર્થર રોડ જેલમાં આર્યન ખાન બંધ છે અને જામીન માટે રાહ જોઈ રહ્યો છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ આર્યન ખાનની જામીન પર આજે નિર્ણય આવી શકે છે. બુધવારે તેમના જામીન પર લાંબી ચર્ચા ચાલી હતી.
કોર્ટમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના વકીલોએ આગ્રહ કર્યો કે તેમને જામીન મળે. પરંતુ સમય પુરો થવાના કારણે સુનાવણી ગઈકાલ માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે આજે 12 વાગે આ મામલે ફરી સુનાવણી થશે.
NCB તેના આરોપોને પુરવાર કરવા માટે વધુ પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ સંબંધમાં, ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીને NCB દ્વારા આજે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અત્યાર સુધીની પૂછપરછમાં ઈમ્તિયાઝને બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથેના તેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યા હતા.
ઈમ્તિયાઝને આર્યન ખાન વિશે પણ પૂછવામાં આવ્યું. NCB એ ઈમ્તિયાઝને પૂછ્યું હતું કે શું આર્યન ડ્રગ્સ કરે છે? હવે આજે નજર કોર્ટની સુનાવણી પર છે, NCB ના આરોપોના જવાબમાં બચાવ પક્ષના વકીલોની દલીલો શું છે.