પંજાબના નેતાનું અદ્ભુત પરાક્રમ, એક જ દિવસમાં 3 વખત પાર્ટી બદલી, પહેલા AAP પછી કોંગ્રેસ અને અંતે...
Punjab Politics: કાઉન્સિલર જગદીશ લાલ દિશાએ લુધિયાણામાં રાજકીય ખળભળાટ મચાવ્યો હતો. કોંગ્રેસમાંથી AAPમાં સ્વિચ કર્યા પછી, તેઓ ફરીથી કોંગ્રેસમાં પાછા ફર્યા અને અંતે ફરીથી AAPમાં જોડાયા.
Punjab councillor switch: લુધિયાણાના રાજકારણમાં મેયરપદને લઈને ભારે ઉથલપાથલ ચાલી રહી છે. શાસક પક્ષ આમ આદમી પાર્ટી (AAP) અને વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ એકબીજાના કાઉન્સિલરોને પોતાની તરફ ખેંચવામાં વ્યસ્ત છે. આ દરમિયાન લુધિયાણાથી એક અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક કાઉન્સિલરે થોડા જ કલાકોમાં ત્રણ વખત પક્ષ બદલીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
વોર્ડ નંબર 6ના કોંગ્રેસના કાઉન્સિલર જગદીશ લાલ દિશાએ ગુરુવારે (26 ડિસેમ્બર) સવારે આમ આદમી પાર્ટીમાં જોડાઈને સૌને ચોંકાવી દીધા હતા. જો કે, બપોર થતાં જ તેમને પોતાની ભૂલ સમજાઈ અને સાંજે 6 વાગ્યા સુધીમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં પાછા ફર્યા. પરંતુ આ નાટ્યાત્મક વળાંક અહીં જ ન અટક્યો. રાત્રે 8 વાગ્યે જગદીશ લાલને ફરીથી લાગ્યું કે તેમનો પહેલો નિર્ણય સાચો હતો અને તેઓ ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. આમ, તેમણે એક જ દિવસમાં ત્રણ વખત પક્ષ બદલીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો.
જગદીશ લાલ દિશા, જેમને કોંગ્રેસના એક વફાદાર સૈનિક માનવામાં આવતા હતા, તેમના આ વર્તનથી કોંગ્રેસના નેતાઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બપોરના સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને પાર્ટીમાં પાછા લાવવામાં સફળતા મેળવી હતી, પરંતુ થોડા જ કલાકોમાં તેઓ ફરીથી AAPમાં ચાલ્યા ગયા.
જગદીશ લાલ દિશા કોંગ્રેસથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી દરમિયાન તેમને કોઈ સહયોગ આપ્યો ન હતો. આ વાતથી તેઓ ખૂબ નારાજ હતા. તેમણે એમ પણ કહ્યું કે AAPમાં જોડાયા બાદ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સંજય તલવાર તેમના ઘરે આવ્યા અને તેમને પાર્ટીનો ઝંડો પહેરાવ્યો. રાજકીય સંબંધો ઉપરાંત, દિશા તલવારને પોતાના મોટા ભાઈ માને છે, તેથી તેમણે તેમનો નિર્ણય સ્વીકાર્યો. પરંતુ, AAPને આ વાતની જાણ થતાં મંત્રી લાલજીત ભુલ્લર સહિતના નેતાઓ તેમના ઘરે પહોંચ્યા અને તેમને ફરીથી AAPમાં સામેલ કર્યા.
હાલમાં જગદીશ લાલ દિશાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે આમ આદમી પાર્ટી સાથે જ રહેશે અને પોતાના વોર્ડના વિકાસ માટે કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે જગદીશ લાલે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને AAPના મહિન્દર ભાટીને હરાવ્યા હતા.
આ પણ વાંચો...
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો