Punjab News: મોહાલીમાં લંડન બ્રિજ મેળામાં ઝૂલો 50 ફૂટની ઊંચાઈએથી પડ્યો, 15 થી વધુ લોકો ઘાયલ, જુઓ Video
મોહાલીના ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડમાં લંડન બ્રિજ મેળો ચાલી રહ્યો છે. રવિવારે રજાનો દિવસ હોવાથી મેળામાં ભારે ભીડ જોવા મળી હતી.
Mohali News: પંજાબના મોહાલીમાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. શહેરના ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડના મેળામાં ઝૂલો પડતા 16 લોકો ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મોટા ભાગના ઘાયલોને ગરદન અને પીઠના ભાગે ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ સ્વિંગનો સંચાલક અને તેનો સ્ટાફ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મેળો ક્યાં છે
મોહાલીના ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડમાં લંડન બ્રિજ મેળો ચાલી રહ્યો છે. રવિવારે રજાનો દિવસ હોવાથી મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. ડ્રોપ ટાવરનો ઝૂલો 50 ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડતા મેળામાં ખળભળાટ મચી ગયો હતો. કોઇ કંઇ કરે તે પહેલા ઝુલા સહિત તેમાં બેઠેલા લોકો જમીન પર પડી ગયા હતા. અકસ્માત સમયે ઝૂલા પર 30થી વધુ લોકો હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. સારી વાત એ હતી કે ઝુલા પર બેઠેલા લોકોએ પટ્ટો બાંધ્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
View this post on Instagram
ઘટના બાદ ઝૂલા માલિક સ્થળ પરથી નાસી ગયો હતો
આ ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ કેટલાક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી ઈજાગ્રસ્તોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.મેળાના સ્થળે આયોજકો તરફથી કોઈપણ પ્રકારની એમ્બ્યુલન્સ કે પ્રાથમિક સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જયારે અકસ્માત સર્જાયો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રવિવારે મેળામાં ભારે ભીડ હતી. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અકસ્માત કેવી રીતે થયો. જે બાદ કેસ નોંધવામાં આવશે.