(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi : ચૂંટણીપંચ એક્શન મોડમાં, વાયનાડમાં આ મહિને યોજાઈ શકે છે પેટાચૂંટણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ થતાં હવે કેરળમાં ખાલી પડેલી વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજવાને લઈને ચૂંટણી પંચ સક્રિય બની ગયું છે.
Election Commission : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ થતાં હવે કેરળમાં ખાલી પડેલી વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજવાને લઈને ચૂંટણી પંચ સક્રિય બની ગયું છે. વાયનાડ બેઠક પર પેટાચૂંટણીને લઈને મંથન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર વાયનાડ લોકસભા મતવિસ્તારમાં પેટાચૂંટણીનો કાર્યક્રમ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે.
ચૂંટણી પંચે વાયનાડની પેટાચૂંટણીને લઈને ચર્ચા શરૂ કરી છે. સુરત કોર્ટ દ્વારા અપરાધિક માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધી સંસદમાંથી ગેરલાયક ઠર્યા છે.
લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીનું સભ્ય પદ સસ્પેન્ડ કરવાની સૂચના જારી કરી દીધી છે. જોકે, સજાની સાથે કોર્ટે રાહુલ ગાંધીને રાહત માટે અપીલ દાખલ કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. રાહુલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાની છે. જો તેને ત્યાંથી રાહત ન મળે તો તે હાઈકોર્ટમાં અપીલ પણ કરી શકે છે. જો ત્યાં પણ રાહત ન મળે તો તે સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરી શકે છે. શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. કોર્ટના નિર્ણય બાદ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 હેઠળ લોકસભા સચિવાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, રાહુલ માટે સદસ્યતા જાળવી રાખવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્યાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આવે તો સભ્યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્ટે નહીં આપે તો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્યપદ બચાવી શકાય છે. પરંતુ જો તેમને ઉપરની કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.
રાહુલ ગાંધીનું સાંસદ પદ સસ્પેન્ડ કરવામાં આવતા કેરળની વાયનાડ લોકસભા બેઠક ખાલી પડી છે. જેથી હવે અહીં પણ ચૂંટણી યોજવાની રહેશે. 2024 પહેલા પેટાચૂંટણી યોજવામાં આવશે. રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા ખતમ કરતાની સાથે જ હવે ચૂંટણીપંચ હરકતમાં આવી ગયું છે. ચૂંટણી પંચે વાયનાડ લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી યોજવાની હલચલ તેજ કરી દીધી છે. ચૂંટણીપંચના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટાચૂંટણીનો કાર્યક્રમ એપ્રિલ મહિનામાં યોજવામાં આવી શકે છે. ચૂંટણીપંચે આ દિશામાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
રાહુલ પર કયા નિવેદન બદલ કાર્યવાહી કરવામાં આવી?
હકીકતમાં, રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? પૂર્ણેશ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. તેઓ ડિસેમ્બરમાં સુરતમાંથી ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.