રાજ ઠાકરેની ધમકી પર ભાજપના નેતા લાલધુમ, કહ્યું - ‘હું મુંબઈ આવુ છું, તાકાત હોય તો મને કાપી નાખો...’
Raj Thackeray vs Annamalai: મહારાષ્ટ્રમાં ચૂંટણી ટાણે રાજકીય જંગ જામ્યો; રાજ ઠાકરેએ ભાજપ નેતાને 'રસમલાઈ' કહી ચીમકી આપી, તો અન્નામલાઈએ કહ્યું- હું ખેડૂતનો દીકરો છું, કોઈની ધમકીથી ડરતો નથી.

Raj Thackeray vs Annamalai: મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય પારો સાતમા આસમાને પહોંચ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અન્નામલાઈ (K. Annamalai) વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલી વ્યક્તિગત ટિપ્પણી અને ધમકીભર્યા સૂરનો જવાબ આપતા અન્નામલાઈએ ચેન્નાઈથી ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, "હું મુંબઈ આવી રહ્યો છું, તમારામાં હિંમત હોય તો મને રોકી બતાવજો."
"પગ કાપી નાખવાની ધમકીથી હું ડરતો નથી"
ચેન્નાઈમાં સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને અન્નામલાઈએ રાજ ઠાકરેના પ્રહારોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "મને અનેક ધમકીઓ મળી રહી છે, કેટલાક લોકો મારા પગ કાપી નાખવાની વાતો કરે છે. પરંતુ મને ધમકી આપનારા આદિત્ય અને રાજ ઠાકરે કોણ છે? હું એક ખેડૂતનો દીકરો છું અને આવી પોકળ ધમકીઓથી ડરતો નથી. જો હું ડરતો હોત તો મારા ગામમાં જ ખેતી કરતો હોત." તેમણે વધુમાં ઉમેર્યું કે, "હું મુંબઈ જઈશ અને જોઈશ કે કોણ મને રોકે છે."
વિવાદનું મૂળ: 'રસમલાઈ' અને 'પુંગી બજાવો'
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અન્નામલાઈએ મુંબઈને એક 'આંતરરાષ્ટ્રીય શહેર' (International City) ગણાવ્યું હતું. આ વાત રાજ ઠાકરેને પસંદ આવી ન હતી. રાજ ઠાકરેએ પોતાની રેલીમાં અન્નામલાઈની મજાક ઉડાવતા તેમને "રસમલાઈ" કહ્યા હતા અને પોતાના કાકા બાળાસાહેબ ઠાકરેના 1960 અને 70 ના દાયકાના પ્રખ્યાત સૂત્ર "લુંગી ઉતારો, પુંગી વગાડો" નો ઉલ્લેખ કર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, "તમિલનાડુથી કોઈ રસમલાઈ આવીને મુંબઈ વિશે જ્ઞાન આપે તે ચલાવી લેવાય નહીં."
હિન્દી ભાષા અને પ્રાંતવાદનો મુદ્દો ગરમાયો
રાજ ઠાકરેએ માત્ર અન્નામલાઈ પર જ નહીં પરંતુ ઉત્તર ભારતીયો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો બિહાર અને ઉત્તર પ્રદેશ (UP-Bihar) ના લોકો મહારાષ્ટ્રમાં હિન્દી લાદવાનો પ્રયાસ કરશે તો તેમને બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું, "ભાષા પ્રત્યે મને નફરત નથી, પરંતુ જો તમે અમારી જમીન અને ભાષા છીનવવાનો પ્રયાસ કરશો તો મરાઠી માણસ ચલાવી લેશે નહીં." તેમણે ભાજપ પર 'નકલી હિન્દુત્વ' (Fake Hindutva) નો આરોપ પણ લગાવ્યો હતો.
ચૂંટણીનું ગણિત અને મરાઠી કાર્ડ
આ શાબ્દિક યુદ્ધ પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં જાહેર થયેલી ચૂંટણીઓ છે. રાજ્ય ચૂંટણી પંચે 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ચૂંટણી જાહેર કરી છે, જેમાં પ્રતિષ્ઠિત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), પુણે અને પિંપરી-ચિંચવડનો સમાવેશ થાય છે. આ ચૂંટણીઓ માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને 16 જાન્યુઆરીએ પરિણામ આવશે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ પોતાના મતભેદો ભૂલીને 'મરાઠી માનુસ' અને મુંબઈને બચાવવાના નામે એક થયા હોવાના સંકેત આપ્યા છે, જેને તેઓ મરાઠી અસ્મિતા માટેની છેલ્લી લડાઈ ગણાવી રહ્યા છે.
અન્નામલાઈએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "જો હું કહું કે કામરાજ ભારતના મહાન નેતા હતા, તો શું તેઓ તમિલ નથી રહેતા? મુંબઈ આંતરરાષ્ટ્રીય શહેર છે તેનો અર્થ એ નથી કે તે મહારાષ્ટ્રના લોકોએ નથી બનાવ્યું. આવા મુદ્દા ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ."





















