Congress President Election: સોનિયા ગાંધીને મળ્યા અશોક ગેહલોત, લડી શકે છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે 10 જનપથ ખાતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
Ashok Gehlot Meets Sonia Gandhi: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે 10 જનપથ ખાતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાજસ્થાનના સીએમ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેટ કરી શકે છે. મહત્વનું છે, ગઈકાલે મંગળવારે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક લીધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા.
સોનિયા ગાંધીને મળ્યા પહેલા રાજસ્થાનના CM અશોક ગેહલોતે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મને દેશભરના કોંગ્રેસીઓનો સ્નેહ અને વિશ્વાસ મળ્યો છે. જો મને આમ કરવાનું (કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનું) કહેવામાં આવશે તો હું ઉમેદવારી નોંધાવીશ. હું અહીં કોંગ્રેસની સેવા કરવા આવ્યો છું, હું મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું અને કરતો રહીશ.
ચૂંટણી લડવા પર ગેહલોતે શું કહ્યું?
અશોક ગેહલોતે કહ્યું કે, જે પણ જવાબદારી આપવામાં આવશે તે હું નિભાવીશ. મારા માટે પદ મહત્વનું નથી. કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી માટેની ચૂંટણી એક ખુલ્લી પ્રક્રિયા છે અને કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. તેમણે કહ્યું કે. એક વ્યક્તિ મંત્રી રહી શકે છે અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પણ ચૂંટાઈ શકે છે.
રાહુલ ગાંધીને મળી શકે છે ગેહલોતઃ
અશોક ગેહલોતે આગલા દિવસે ધારાસભ્યોને કહ્યું હતું કે, 'તેઓ રાહુલ ગાંધીને છેલ્લી વાર પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળવા માટે મનાવવાનો પ્રયાસ કરશે.' આ સાથે ગેહલોતો કહ્યું હતું કે, 'હું જ્યાં પણ જઈશ ત્યાં રાજસ્થાનની સેવા કરતો રહીશ. હું ક્યાંય જવાનો નથી, ચિંતા કરશો નહીં.' કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મળવા માટે અશોક ગેહલોત પણ આજે કોચી જઈ શકે છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે. મહત્વનું છે કે, ગઈકાલે મંગળવારે જ રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પણ રાહુલ ગાંધીને મળવા કોચી પહોંચ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને હલચલ તેજ થઈઃ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર આજે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને ચાલી રહેલા હંગામા વચ્ચે તેમની ઉમેદવારી અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીને મળ્યા હતા. મિસ્ત્રીએ કહ્યું કે, અમે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અંગે તેમના (શશિ થરૂર)ના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે.