રાજસ્થાનમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત અપાશે કોરોનાની રસી, CM અશોક ગેહલોતે કરી જાહેરાત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મફત આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું તેના માટે આશરે 3000 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.
જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી મફત આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું તેના માટે આશરે 3000 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ રવિવારે ટ્વિટ કરી કહ્યું, રાજસ્થાન સરકારે પ્રદેશના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આશરે 3000 કરોડ રૂપિયા ખર્ચ કરી મફત કોરોનાની રસી લગાવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, વધુ સારું થયું હોત કે રાજ્ય સરકારોની માંગ પ્રમાણે ભારત સરકાર જેમ 60 વર્ષ અને 45 વર્ષથી વધુ વયની જેમ 18 વર્ષથી 45 વર્ષ વય સુધીના યુવાનોની રસીનો ખર્ચ પણ ઉઠાવી લેત તો રાજ્યોનું બજેટ ડિસ્ટર્બ ન થાત.
ઉલ્લેખનીય છે કે આજે જ મહારાષ્ટ્રે લોકોને મફત કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી છે. 18 વર્ષથી 45 વર્ષ સુધીના તમામ લોકોને મફત રસી આપવામાં આવશે. આ જાહેરાત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કરી છે. 1 મેથી દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાનું અભિયાન શરુ થઈ રહ્યું છે, જેને લઈને 28 એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું, રાજ્ય સરકાર પોતાના તમામ નાગરિકોને મફત રસીકરણ કરશે. ગત કેબિનેટ બેઠકમાં એકમતે નિર્ણય લેવાયો હતો કે મહારાષ્ટ્રના તમામ નાગરિકોન જેની ઉંમર 18થી 45 વર્ષ છે તેમને રસીકરણ સરકાર પોતાના પૈસાથી કરાવશે.
દેશમાં અત્યાર સુધીમાં વેક્સીનના સૌથી વધારે ડોઝ મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 1.42 કરોડ લોકોએ વેક્સીનના ડોઝ લીધા છે. જેમાં 1.23 કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે દેશમાં કુલ 14 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાના નિર્ણય બાદ ઘણા રાજ્યોએ મફત વેક્સીન આપવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ જેવા ઘણા રાજ્યોના લોકોએ વેક્સીનેશન માટે કોઈ ચાર્જ નહી આપવો પડે.