Ayodhya Ram Mandir: રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષના અંત સુધીમાં મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે
રામ ભગવાનના ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે રાહ જોઇ રહેલા ભક્તોને વધારે રાહ જોવી નહી પડે. ડિસેમ્બર 2023થી ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે.
રામ ભગવાનના ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે રાહ જોઇ રહેલા ભક્તોને વધારે રાહ જોવી નહી પડે. ડિસેમ્બર 2023થી ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે. આ દરમિયાન મંદિરમાં નિર્માણ કાર્ય ચાલુ રહેશે. મંદિર ઉપરાંત મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.
સૂત્રોના મતે રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધી પુરુ થઇ જશે. 2025 સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ જશે. ગર્ભગૃહમાં ભગવાન રામ બિરાજમાન થશે પરંતુ પ્રથમ માળ પર રામનો દરબાર હશે. જેમાં શ્રી રામ સાથે માતા સીતા બિરાજમાન રહેશે. આખુ પરિસર 110 એકરમાં હશે. રામ મંદિરનુ પરિસરમાં મુખ્ય મંદિર આખું સ્ટોનથી બનશે.
રામ મંદિર પરિસરના નિર્માણ પર લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રામ મંદિર ટ્રસ્ટને દાનમાં અત્યાર સુધીમાં લગભગ 3000 કરોડ રૂપિયા પ્રાપ્ત થઇ ચૂક્યા છે. જેમાં એનઆરઆઇ દ્ધારા મોકલાયેલું દાન સામેલ નથી. રામ મંદિરના નિર્માણમાં સ્ટીલનો ઉપયોગ નહી થાય. સૂત્રોના મતે મંદિરના ગર્ભગૃહ પર બનનારા શિખરની ઉંચાઇ જમીનથી 161 ફૂટ હશે જેને રાજસ્થાનથી લાવવામાં આવેલા પથ્થરો અને સંગમરમરથી બનાવવામાં આવશે.
જોકે, સૂત્રોના મતે આખુ મંદિર પરિસર વર્ષ 2025 સુધીમાં તૈયાર થઇ જશે. સૂત્રોએ કહ્યું કે મુખ્ય મંદિર ત્રણ માળનું હશે જેમાં પાંચ મંડપ હશે. નોંધનીય છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભાજપનું દાયકાઓ જૂનું વચન હતું. માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ આ સ્થાન પર થયો હતો. મંદિરનું નિર્માણ યોજના અનુસાર થઇ રહ્યું છે. અંદાજ અનુસાર વર્ષ 2023ના અંત સુધીમાં ભક્તો મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કરી શકશે.
મંદિર નિર્માણનો સમય રાજકીય રીતે પણ મહત્વનો રાખવામાં આવ્યો છે. કારણ કે આગામી લોકસભા ચૂંટણી વર્ષ 2024માં યોજાશે. જો મંદિર નિર્માણ યોજના અનુસાર પૂર્ણ થાય છે તો સતાધારી પાર્ટી ભાજપને ચૂંટણીમાં પ્રચાર માટે એક મુદ્દો મળી જશે.